દેશમાં કોરાના કેસો ગતવર્ષની જેમ પીકઅપ પર, ૨૪ કલાકમાં ૪૬,૯૫૧ કેસ,૨૧૨નાં મોત

• દેશમાં એક વર્ષ પછી કોરોના કેસમાં ફરી ઉછાળો, અઠવાડિયામાં ૬૭ ટકા કેસ વધ્યા • કુલ કેસની સંખ્યા ૧,૧૬,૪૬,૦૮૧ થઈ, કુલ મૃત્યુઆંક ૧,૫૯,૯૬૭એ પહોંચ્યો, પાછલા અઠવાડિયા દરમિયાન મહારાષ્ટ્રમાં ૧.૬૫ લાખ કેસ નોંધાયા • છેલ્લા બે અઠવાડિયામાં દેશમાં કોરોનાના સાડા ચાર લાખથી વધુ કેસો, જ્યારે ૨૨૦૦થી વધુનાં મોત

(એજન્સી) નવી દિલ્હી,તા.૨૨
કોરોના આવ્યાના એક વર્ષ થયાની તારીખે કોરોના વાયરસનાં કેસોએ દેશમાં ફરી રફતાર પકડી છે. ૨૦૨૦ના માર્ચમાં કોરોના કેસોનો ગ્રાફ ઉંચે ગયો હતો અને હવે ૨૦૨૧માં પણ ભારતમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે.ચાલુ વર્ષની શરૂઆતમાં કોરોના કેસો કાબૂૂમાં આવ્યા બાદ માર્ચ આવતા આવતાં કેસોમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના ૬૭ ટકા કેસો વધ્યા છે. સોમવારે કોરોનાનાં દૈનિક ૪૭ હજારની નજીક કેસો નોંધાયા હતા. દેશમાં કોરોના સાત દિવસનાં સરેરાશ દૈનિક કેસ ૩૭ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે.
કોરોનાના દૈનિક કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં નોંધપાત્ર રીતે નવા કેસમાં વધારો જોવા મળ્યો છે. જેને જોતા કેન્દ્ર સરકારની ચિંતા વધી ગઈ છે. રાજ્યો પોતાના સ્તરે વિવિધ પ્રતિબંધો લગાવીને કોરોનાના પ્રકોપને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોરોનાના વધતા કેસ જોતા કેટલાક શહેરોમાં હાલ સંપૂર્ણ લોકડાઉન પણ લાગુ છે.તો કેટલાક શહેરોમાં રાત્રિ કરફ્યૂ તથા અન્ય પ્રતિબંધો પણ કડકાઈથી લગાવવામાં આવ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૪૬,૯૫૧ દર્દીઓ નોંધાયા છે.આ સાથે કુલ કેસની સંખ્યા ૧,૧૬,૪૬,૦૮૧ પર પહોંચી ગઈ છે. જેમાંથી ૧,૧૧,૫૧,૪૬૮ લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યા જ્યારે ૩,૩૪,૬૪૬ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં ૨૧૨ લોકોએ કોરોનાના લીધે મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક ૧,૫૯,૯૬૭ પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૪,૫૦,૬૫,૯૯૮ લોકોને રસી આપવામાં આવી છે.
છત્તીસગઢમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખતાં રાજ્ય સરકારે તમામ સ્કૂલો, કોલેજો અને આંગણવાડીને આગામી આદેશ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રાજ્યના મંત્રી રવીન્દ્ર ચૌબેએ આ બાબતે પુષ્ટિ કરી હતી. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે ઉત્તરાખંડના મુખ્ય સચિવને કુંભ મેળામાં પ્રોટોકોલનું સખત પાલન કરવા પત્ર લખ્યો છે. ઉચ્ચ સ્તરીય સેન્ટ્રલ ટીમના કુંભ પ્રવાસ બાદ વ્યક્ત થયેલી ચિંતા પછી તેમણે આ પત્ર લખ્યો છે. આ વચ્ચે કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું છે કે, કોરોના વાયરસની બીજી લહેરની શરૂઆત રાજ્યમાં થઈ ગઈ છે. જણાવી દઈએ કે, કર્ણાટકમાં પાછલા ૨૪ કલાકમાં ૧,૭૧૫ કેસ સામે આવ્યા અને બે લોકોના મોત પણ થઈ ગયા. અહીં કુલ ૯,૭૦,૨૦૨ કેસ છે. અત્યાર સુધી ૧૨,૪૩૪ લોકોના જીવ કોરોનાના કારણે જઈ ચૂક્યો છે. રાજ્યમાં ૧૩,૪૯૩ એક્ટિવ કેસ છે.
મહારાષ્ટ્રમાં રવિવારે ૩૦,૫૩૫ નવા કોરોના કેસ મળ્યા, જ્યારે ૯૯ લોકોના મોત થઈ ગયા. રાજ્યમાં ૯,૬૯,૮૬૭ લોકો હોમ ક્વોરન્ટાઈન છે અને ૯,૬૦૧ કોરોના સેન્ટરમાં ભરતી છે. મહારાષ્ટ્રમાં કુલ ૨,૧૦,૧૨૦ એક્ટિવ કેસ છે. આજે ૧૧,૩૧૨ દર્દી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. રાજ્યમાં રિક્વરી રેટ ૮૯.૩૨ ટકા છે. કુલ ૨૪,૭૯,૬૮૨ લોકો મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ છે. જ્યારે મુંબઈમાં પાછલા ૨૪ કલાકમાં કોરોનાના ૩૭૭૫ નવા કેસ મળ્યા. જ્યારે ૧૦ લોકોના મોત થઈ ગયા. ૧૬૪૭ રિક્વરી પણ થયા. નાગપુરમાં ૩૬૧૪ નવા કેસ મળ્યા અને ૩૨ લોકોના મોત થઈ ગયા.