(સંવાદદાતા દ્વારા)

ગાંધીનગર,તા.૧૦

ખેડૂતો અને કૃષિક્ષેત્રના વિકાસ માટેની રાજય સરકારની સાત પગલા ખેડૂત કલ્યાણ યોજનાનો આજે ગાંધીનગરથી આરંભ કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા  જણાવ્યું હતું કે,  ભૂતકાળમાં કોંગ્રેસના શાસનોમાં ખેડૂતોને પાક વીમા માટે આંદોલનો કરવા સાથે ગોળીઓથી વિંધાવુ પડતું હતું. અમે ખેડૂતોના નામે મગરના આંસુ સારનારા કે રાજકારણ કરનારા નથી. તેમણે રાજયમાં સવા લાખ  ખેડૂતોને એક જ દિવસમાં રૂા. ૪૦૦ કરોડની સહાય ચૂકવાઈ હોવાનું પણ જણાવ્યું હતું.

આ સાત પગલાં યોજનાના પાયાથી સર્વગ્રહી વિકાસની હરણફાળ ભરવી છે તેમ જણાવતા  તેમણે ઉમેર્યુ કે, રાજ્યના સંતુલિત વિકાસ માટે એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી, સર્વિસ સેકટર સહિતના ગ્રોથમાં નવા સંશાધનો અને આધુનિક ખેતી પદ્ધતિ સાથે ગુજરાત વિકાસનું આગવું રોલ મોડેલ બન્યું છે.

મુખ્યમંત્રીએ રાજ્યભરના ૩૩ જિલ્લાના ૮૦ સ્થાનોએ આયોજિત ‘સાત પગલાં ખેડૂત કલ્યાણ’ના યોજનાનું ઇ-લોન્ચીંગ ગાંધીનગરથી કર્યુ હતું.

આ યોજના અંતર્ગત કૃષિ-ખેતીવાડી અને ધરતીપુત્રોના આર્થિક ઉત્થાન સાથે નવિન પાક ઉત્પાદન, પાક સંગ્રહ, નાના-સિમાંત ખેડૂતોને અદ્યતન ઓજારો વિતરણ, ગાય આધારિત ખેતી, કિસાન પરિવહન યોજના અને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના એમ કિસાન હિતલક્ષી સાત પગલાંઓ આવરી લેવાયા છે.        મુખ્યમંત્રીએ આ પગલાંઓ પૈકીના મહત્વપૂર્ણ બે કદમ ‘‘મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન) યોજના’’ તેમજ ‘‘કિસાન પરિવહન યોજના’’નો આજે પ્રારંભ કરાવ્યો હતો.

સમગ્ર રાજ્યમાં આ અન્વયે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનામાં ખેડૂતને આવા ગોડાઉન સ્ટ્રકચર માટે ત્રીસ હજાર રૂપિયાની મહત્તમ સહાય સરકાર આપે છે.

કિસાન પરિવહન યોજનામાં ખેડૂત પોતાના ઉત્પાદનો અન્ય બજારોમાં સરળતાએ પહોચાડી વધુ આવક રળી શકે તેવી નેમ રાખવામાં આવી છે. ખેડૂતને આ યોજનામાં વધુમાં વધુ રૂ. ૭પ હજારની સહાય સરકાર નાના વાહન ખરીદવા આપે છે.

આ સહાયના પરિણામ સ્વરૂપે આગામી ત્રણ મહિનામાં રાજ્યના ખેડૂતના પોતાના ગોડાઉનમાં અંદાજે ર૩ લાખ ટન અનાજની સંગ્રહશકિત વધશે તેમજ પાક બગાડ અટકાવી શકાશે.

મુખ્યમંત્રીએ  જણાવ્યું કે, ‘‘જે કહેવું તે કરવું’’ એવી કાર્યસંસ્કૃતિ અમે વિકસાવીને હર મુશ્કેલ સમયે ખેડૂતોની પડખે ઊભા રહ્યા છીયે. અમે ખેડૂતોના નામે મગરના આંસુ સારનારા કે રાજકારણના આટાપાટા ખેલનારા નથી.

તેમણે ઉમેર્યુ કે, ભૂતકાળમાં કોંગ્રેસના શાસનોમાં ખેડૂતોને પાક વીમા માટે આંદોલનો કરવા પડતા અને ગોળીઓથી વિંધાવુ પડતું. એટલું જ નહિ, ૧૮ ટકા જેવા ઊંચા વ્યાજે ધિરાણ લઇ ખેડૂત દેવાના ખપ્પરમાં બરબાદ થઇ જતો. ટેકાના ભાવે ખરીદી પણ થતી નહિ અને ખેડૂત બાપડો-બિચારો હતો.

વીજ જોડાણો હોય કે યુરિયા ખાતર હોય ખેડૂતોએ ભૂતકાળમાં લાંબા સમય સુધી રાહ જોવી પડતી એવી સ્થિતીનું છેલ્લા બે દશકામાં ભાજપની  સરકારોએ નિવારણ લાવી દીધું છે એમ તેમણે ગૌરવ સાથે ઉમેર્યુ હતું.