નવી દિલ્હી,તા.૧૩
છેલ્લા કેટલાક સમયથી દેશમાં અનેક રાજ્યોમાં પડી રહેલા મુશળધાર વરસાદના કારણે વિકટ પરિસ્થિતિ સામે આવી છે. દેશભરમાં સતત વર્ષી રહેલા વરસાદના કારણે પુર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં પણ નોધપાત્ર વધારો થયો છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, આ મોનસૂન સિઝનમાં અત્યારસુધીમાં ૭ રાજ્યોમાં થયેલી અનેક ઘટનાઓમાં ૭૭૪ લોકોના મોત થયા છે.
દક્ષિણ ભારતના રાજ્ય કેરળનાં વરસાદના કારણે ઉભી થયેલી ગંભીર પરિસ્થિતિ બાદ હવે પહાડી રાજ્યો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ હાલાત બેકાબૂ બન્યા છે.
બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા પણ ભારે વરસાદના કારણે ઉભી થયેલી બેકાબૂ પરિસ્થિતિને જોતા ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આસામ, નાગાલેંડ અને અરુણાચલ પ્રદેશ સહિત ૧૬ રાજ્યોમાં એલર્ટ જાહેર કરાયું છે. આ વચ્ચે વરસાદના કારણે અમરનાથ યાત્રા પણ રોકવામાં આવી છે.
ગૃહ મંત્રાલયના નેશનલ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર (NIRC)ના જણાવ્યા મુજબ, પુર અને વરસાદના કારણે કેરળમાં ૧૮૭, ઉત્તરપ્રદેશમાં ૧૭૧, પશ્ચિમ બંગાળમાં ૧૭૦ અને મહારાષ્ટ્રમાં ૧૩૯ લોકોના મોત થયા છે. હોમ મિનિસ્ટ્રીના આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં ૫૨, આસામમાં ૪૫, નાગાલેંડમાં ૮ અને કેરળમાં ૩૯ લોકોના મોત થયા છે, જયારે પશ્ચિમ બંગાળમાં ૫ લોકો લાપતા થયા છે. આ ઉપરાંત અલગ-અલગ ઘટનાઓમાં ૨૪૫ લોકો ઘાયલ પણ થયા છે. દેશભરમાં પડી રહેલા ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રના ૨૬, આસામના ૨૩, પશ્ચિમ બંગાળના ૨૨, કેરળના ૧૪, ઉત્તરપ્રદેશના ૧૨, નાગાલેંડના ૧૧ અને ગુજરાતના ૧૦ જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે. જયારે પુર અને ભૂસ્ખલનથી ઉભી થયેલી વિકટ પરિસ્થિતિને નિપટવા માટે NDRFની આસામમાં ૧૫, યુપી અને પશ્ચિમ બંગાળમાં ૮-૮ ટીમ, ગુજરાતમાં ૭, કેરળમાં ૪, મહારાષ્ટ્રમાં ૪ અને નાગાલેંડમાં એક ટીમ તૈનાત કરવામાં આવી છે.

હિમાચલમાં વરસાદી કહેર : નવ લોકોનાં મોત

શિમલા,તા.૧૩
હિમાચલ પ્રદેશમાં છેલ્લા ર૪ કલાકથી સતત ચાલુ ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર તારાજી અને તબાહીનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. ભારે વરસાદને કારણે નવ લોકોનાં મૃત્યુ થયાં છે અને આગામી ૪૮ કલાક માટે સ્થિતિ વધુ વણસવાની ચેેતવણી આપવામાં આવી છે. સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. વરસાદને કારણે કેટલાય નેશનલ હાઇવે બંધ થઇ ગયા છે. રાજ્યના નવ જિલ્લામાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. હવામાન વિભાગે આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. સોલનના બદીમાં એક ઘરની દીવાલ તૂટવાથી એક બાળક સહિત માતા-પિતાનાં મૃત્યુ થયાં હતાં. હમીરપુરના ભોરંજમાં જારલોક પંચાયતમાં ભૂસ્ખલન થવાથી દાદી અને પૌત્રીના મોત થયાં હતાં. સિમલામાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર ભૂસ્ખલન થવાથી સ્થાનિક વાહન વ્યવહાર ઠપ થઇ ગયો છે. રસ્તાઓ પર ધસી પડેલી જમીનના કાટમાળને કારણે વાહન વ્યવહારમાં અવરોધ ઊભો થયો છે. સિમલા-ચંડીગઢ હાઇવે બંધ છે. મંડી જિલ્લામાં નેશનલ હાઇવે ર૦ અને ચંડીગઢ-મનાલી હાઇવે-ર૧ પર ભૂસ્ખલન થયું છે. મંડી શહેરમાં એક મકાન ધરાશાયી થઇ ગયું હતું.