જામનગર, તા.૧૬
ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રમાં ખંભાળીયા-ભાણવડના કોંગી ધારાસભ્ય વિક્રમ માડમે ખેડૂતોના પ્રશ્નો ઉઠાવી ઉગ્ર રોષ સાથે જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ર૪ વર્ષથી ભાજપનું શાસન છે અને તે દરમિયાન ગુજરાતના ખેડૂત પાયમાલ થઈ રહ્યાં છે. દ્વારકા જિલ્લામાં પીવાના પાણી માટે જીવાદોરી સમાન સાની ડેમને ર૦ર૦ના જાન્યુઆરીમાં તોડી નંખાયા પછી આખા ગુજરાતમાં પીવાના પાણીની સૌથી ગંભીર કટોકટી દ્વારકા જિલ્લામાં સર્જાશે તેવી ચિંતા તેમણે વ્યક્ત કરી હતી.
ધારાસભ્ય વિક્રમ માડમ વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન વિધાનસભામાં ખેડૂતો દેવાદાર શા માટે બન્યા…? ખેડૂતોને લાચાર કોણે બનાવ્યા…? ખેડૂતોને બિયારણ, ખાતર શા માટે નથી મળતા…? ખેત પેદાશોના પોષણક્ષમ ભાવો કેમ આ ભાજપ સરકાર આપતી નથી…? આજે ચોવીસ-ચોવીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે તો ખેડૂતોને લાચાર અને આપઘાત કરવા માટે મજબૂર થવું પડે, તેવું કેમ ખેડૂત માટે બને છે…? તે તમામ બાબતો, સૌને માટે શરમજનક બાબત હોવાથી, વિધાનસભામાં વાત કરતાં તેઓ જણાવેલ છે કે, વર્ષ-ર૦૧૪ માં મગફળીના ખેડૂતોને ૧ર૦૦ રૃપિયા મળતા હતા, કપાસનો ભાવ ૧૪૦૦ રૃપિયા મળતો હતો તે કેન્દ્રની યુપીએ સરકારની સિદ્ધિ મળી. તેમજ કપાસ અને મગફળી ૧૦૦ ટકા ૧૪૦૦ તથા ૧ર૦૦ રૃપિયામાં જતા હતાં. જ્યા આજે આ સરકારમાં ૯૦૦ રૃપિયાના ભાવે ર૦ ટકા મગફળી જાય છે. બાકીની ૭૦૦ રૃપિયાના ભાવે જાય છે, ત્યારે ખેડૂતોને ફરજીયાત દેવાદાર થવું પડે છે. જ્યારે આ કહેવાતી ખેડૂતોની ચિંતા કરતી સરકાર ર૪ વર્ષમાં એક પણ ડેમ ક્યાંય બનાવ્યો છે…? ખેડૂતોનું ૭ર૦૦૦ કરોડનું દેવું યુપીએની કેન્દ્ર સરકારે માફ કરેલ છે આજે આ આંકડો બજાર કિંમત મુજબ ૩ લાખ કરોડ જેટલો થાય છે.
આજે ખેડૂતો દેવાદાર છે, તો તે માટે જવાબદાર આજની સરકાર છે. ખેડૂતો જાતે તેમની કરોડોની કિંમતની ખેતીમાં મજૂરી કરે છે. ખેડૂતોમાં, બહેન, દીકરી/દીકરા પોતાની જ ખેતીમાં સવાસો રૂપિયા દૈનિક રોજ ભલે પરવડે તો પણ જાતે મજૂરી કરે છે કારણ કે, ખેડૂતનો દીકરો સ્વમાની છે. ખેડૂતોને સારૂ બિયારણ પોષણક્ષમ ભાવ, સારૂ ખાતર, ખાતરમાં સબસીડી નહીં આપીને, ખેત પેદાશો, ખેત ઓજારો વિગેરે ખેડૂતોને પરવડે તેવા ભાવે વળતરરૂપે જો આ સરકાર નહીં આપે તો ખેડૂત ક્યારેય પગભર થઈ શકશે નહીં.
આજે લેભાગુ તત્ત્વો ખેડૂતોને નકલી બિયારણ, નકલી ખાતર વિગેરે વહેચે છે. તેમને અટકાવવામાં નહીં આવે અને જ્યારે ચાલુ વર્ષે દ્વારકામાં ૮૦ ટકા વિસ્તારમાં વાવેતર થયેલ નથી. દ્વારકા જિલ્લાનો જિવાદોરી સમાન સાની ડેમ છે તે પણ તોડી નાખવાનો છે, ત્યારે આખા ગુજરાતમાં પીવાના પાણી માટે સૌથી ખરાબ હાલત દ્વારકા જિલ્લાના લોકોની થવાની છે. કારણ કે આ દ્વારકા જિલ્લાને પીવાના પાણી માટે આ એક માત્ર સાની ડેમ છે જે ડેમ પણ જાન્યુઆરી-ર૦ર૦માં તોડી નાખવામાં આવશે. આજે વિધાનસભામાં આપણે ૧૮૨ જણ બેઠા છીએ, આપણે તમામ શારીરિક તેમજ અન્ય રીતે પણ સક્ષમ છીએ, ત્યારે કાંઈક ખેડૂતોને આપવાની આપણી સૌની ફરજ બની રહે છે.