હિંમતનગર, તા.ર૦
સાબરકાંઠા જિલ્લામાંથી ચોમાસું વિદાય લેવાના આરે આવીને ઊભું છે ત્યારે શુક્રવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટાથી સાંજના સુમારે હિંમતનગર સહિત કાંકણોલ અને ગાંભોઈ પંથકમાં પવન સાથે વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ હતી.
હવામાન વિભાગે ગુજરાત અને મહારાષ્ટ્રમાં તા.ર૦થી ર૮ સપ્ટેમ્બર દરમ્યાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે તેની અસરો શુક્રવારે સાબરકાંઠા જિલ્લામાં પણ વર્તાઈ હતી. દરમ્યાન બપોર બાદ વાતાવરણમાં આવેલા પલ્ટા બાદ હિંમતનગર તથા કાંકણોલ અને ગાંભોઈ સહિતના અન્ય વિસ્તારોમાં આકાશ વાદળોથી ગારંભાઈ ગયું હતું અને પવન તથા ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયો હતો. જેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. તો બીજી તરફ મગફળી અને ડાંગર પકવતા ખેડૂતો એવું માની રહ્યા છે કે, અત્યારે પડી રહેલો વરસાદ આ બંને પાક માટે નુકસાનરૂપ છે અને ડાંગર પણ ડૂંડા અવસ્થામાં આવી ગઈ હોવાથી પવનની તેજ ગતિને કારણે તે જમની પર પડી જાય છે. જેના લીધે ઉત્પાદન ઓછું થવાની શક્યતાને લઈને ખેડૂત આલમ ચિંતામાં ગરકાવ થઈ ગઈ છે.
સાબરકાંઠાના વાતાવરણમાં પલટો, હિંમતનગર કાંકણોલ અને ગાંભોઈમાં વરસાદ

Recent Comments