(સંવાદદાતા દ્વારા) હિંમતનગર, તા.૨૯
કોરોનાના કારણે દેશમાં લોકડાઉન કરવામાં આવ્યો હોઇ તમામ વાહન વ્યવહારના સાધનો થંભી ગયા છે. આ સમયમાં ગુજરાતમાં મજૂરી અર્થે આવેલા ૨૯૦ પરપ્રાંતિયોને જિલ્લામાં આશ્રય આપવામાં આવ્યો હતો. આ મજુરો દ્રારા પોતાના વતન મોકલી આપવા વહિવટી તંત્રને વિનંતી કરવામાં આવી હતી જેના પગલે ૧૩૨ પરપ્રાંતિય મજુરોને તેમના વતન પરત મોકલવામાં આવ્યા હતા. જિલ્લામાંથી પગપાળા જતાં પરપ્રાંતિય મજૂરોને જિલ્લામાં રોકી તેમના માટે જુદા-જુદા ચાર શેલ્ટર હોમમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. આ શેલ્ટર હોમમાં તેમના આરોગ્યની ચકાસણી તેમજ તેમના રહેવા, જમવા સાથે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓનું ધ્યાન વહિવટી દ્વારા રાખવામાં આવ્યું હતું. આ પરપ્રાંતિયો પોતાના વતન પરિવાર પાસે જવા ઇચ્છતા હોઇ તેમને તેમના વતનમાં ત્યાંના અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ મોકલવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ૨૯૦ પરપ્રાંતિયોમાં રાજસ્થાનના ૮૯ મજૂરો અને મધ્યપ્રદેશના ૪૩ મજૂરોને વતન પરત મોકલવામાં આવ્યા હતા. હાલમાં આ શેલ્ટર હોમમાં ૧૫૮ ઉત્તરપ્રદેશના મજૂરો આશ્રય લઈ રહ્યા છે.