હિંમતનગર, તા.૯
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવના ૭થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં વધુ આઠ કેસનો ઉમેરો થયો છે અને કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૨૧૮ પર પહોંચી ગયો છે. જો કે, કોવિડ હોસ્પિટલોમાંથી સાત દર્દીઓને રજા આપી દેવામાં આવી છે તેમ છતાં ગુરૂવારે જિલ્લા એક્ટિવ કેસની સંખ્યા ૬૧ રહી છે.આરોગ્ય વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ છેલ્લા ર૪ કલાકમાં જે નવા આઠ કેસ નોંધાયા છે તેમાં પ્રાંતિજના વ્હોરવાડમાં રહેતા ૬૭ વર્ષીય મહિલા તથા પોગલુ ગામના ૬૭ વર્ષીય પુરૂષ કોરોના પોઝિટિવના ભોગ બનતા તેમને સારવાર માટે મોકલી દેવાયા છે તેજ પ્રમાણે હિંમતનગરના ગીરધરનગર વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષીય પુરૂષ, હિંમતનગર તાલુકાના જોરાપુર ગામના ૭૦ વર્ષીય મહિલા કોરોનામાં સપડાયા છે. ઉપરાંત પીપોદર ગામના ૫૦ વર્ષીય પુરૂષ કોરોનામાં સપડાતા ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.તે જ પ્રમાણે હિંમતનગર તાલુકાના કાંકણોલ ગામની સીમમાં આવેલ રાજબસેરા સોસાયટીના ૬૧ વર્ષીય પુરૂષ અને ૬૦ વર્ષીય મહિલા પણ કોરોનાનો ભોગ બનતા સોસાયટીના કેટલાક મકાનોને ક્વોરન્ટાઈન ઝોનમાં મૂકી દેવાયા છે. સાથો-સાથ રંગમહોલ સોસાયટીમાં રહેતા ૬૧ વર્ષીય મહિલા કોરોનાનો ભોગ બનતા તેમના પરિવારમાં ભયની લાગણી ઊભી થઈ છે. જો કે, અગાઉ હોસ્પિટલમાં દાખલ કરાયેલ ૭ દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતા ગુરૂવારે તેમને રજા આપી દેવામાં આવી છે. જેમાં હિંમતનગર તાલુકાના ર, પ્રાંતિજ શહેરના ૪ અને સોનાસણ ગામના ૧ મળી અન્ય એક ગામના દર્દીને પણ રજા આપી દેવામાં આવી છે.