(સંવાદદાતા દ્વારા)
હિંમતનગર, તા.૧૧
સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે ત્યારે અનેક લોકો રોજબરોજ નિયમોનો ભંગ કરીને ફરતા હોવાને કારણે પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા ર૪ કલાકમાં વધુ નવ કેસના ઉમેરા સાથે જિલ્લામાં કુલ કેસોનો આંકડો ર૪૦ થઈ ગયો છે. તેમાંથી અત્યારે ૭૪ કેસ એક્ટિવ છે. આ અંગે આરોગ્ય વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ છેલ્લા ર૪ કલાકમાં જે નવ કેસ નોંધાયા છે તેમાં હિંમતનગર ૬, ઈલોલ અને હડિયોલમાં ૧ તથા પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામમાં પણ વધુ એક કેસ નોંધાયો છે. જિલ્લામાં જે નવ કેસ નોંધાયા છે તે પૈકી હિંમતનગરની સાબરકુંજ સોસાયટીમાં ૩૮ વર્ષીય યુવક, કોટીયર્ક સોસાયટી છાપરિયા વિસ્તારમાં રપ વર્ષીય મહિલા, સંજર સ્ટ્રીટ નવી મહોલાતમાં ૬૭ વર્ષીય પુરૂષ અને ૬૧ વર્ષીય મહિલા તથા ભાટવાસના ૩ર વર્ષીય યુવકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. તે જ પ્રમાણે હિંમતનગર તાલુકાના ઈલોલ ગામના ૪૧ વર્ષીય યુવક અને હડિયોલ ગામના પ૧ વર્ષીય પુરૂષ પણ કોરોના પોઝિટિવનો ભોગ બન્યા છે તે જ પ્રમાણે પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામે પણ ૬પ વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોગલુ ગામે અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના ત્રણ કેસ નોંધાયા છે. જ્યારે શનિવારે સારવાર લઈ રહેલા નવ દર્દીઓને રજા અપાઈ છે તેમાં હિંમતનગર તાલુકાના છ અને તલોદ, ઈડર અને પ્રાંતિજ તાલુકાના એક દર્દીનો સમાવેશ થાય છે.