હિંમતનગર, તા.૧૮
સાબરકાંઠા જિલ્લામાં હજુ કોરોના વાયરસ શાંત થવાનુ નામ લેતો નથી ત્યારે જિલ્લામાં વધુ એક પોઝીટીવ કેસ નોંધાયો છે.
સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના ૩૯ પોઝીટીવ કેસ નોંધાયા છે. જે પૈકી ૩૫ દર્દીઓ સાબરકાંઠાના છે. જયારે બાકીના ચાર દર્દીઓના સરનામા અમદાવાદના છે. પરંતુ તેમને સારવાર માટે હિંમતનગરની સિવિલમાં તથા મેડીસ્ટાર હોસ્પિટલમાં રખાયા હતા. દરમિયાન બે દિવસ અગાઉ ગાંધીનગર ખાતે ફરજ બજાવતા આ એસઆરપી જવાન તેમના પરિવારને મળવા માટે વિરપુર આવ્યા હતા. ત્યારે તેમની તબીયત અસ્વસ્થ્ય જણાતા તેમને હિંમતનગર સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. જયાં તેમના નમુના લઇ તપાસ કરાતા કોરોના પોઝીટીવના લક્ષણો જણાયા હતા. તેથી સારવાર માટે હિંમતનગર સિવિલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી દેવામાં આવ્યા છે.
લોકડાઉનમાં અપાયેલી છુટછાટોનો જિલ્લાવાસીઓ મનધડત અર્થઘટન કરવાને બદલે તંત્ર તરફથી જે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે તેનુ સમજી વિચારીને અમલ કરવો રહ્યો. જો જિલ્લાની પ્રજા લોકડાઉનના નિયમોનો ભંગ કરીને ઘરોમાંથી બહાર નિકળી પડશે તો સાબરકાંઠા જિલ્લાની હાલત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરત જેવી થઇ જશે. તે પહેલા જિલ્લાવાસીઓએ સુરક્ષીત રહી ઘરમાં રહેવુ જોઇએ.