(સંવાદદાતા દ્વારા)
હિંમતનગર, તા.૨૩
સાબરકાંઠા જિલ્લામાં લોકડાઉન દરમિયાન કોરોનાના કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે ત્યારે શનિવારે પ્રાંતિજ તાલુકામાં ૮, તલોદમાં ૨,ખેડબ્રહ્મામા ૨, ઇડર અને વડાલી તાલુકામાં ૧-૧ દર્દી મળી કુલ ૧૪ દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ વધી ગઇ છે. સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૮૩ દર્દીઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જયારે ૩ દર્દીઓના મોત નિપજયા છે. લોકડાઉનમાં આપવામાં આવેલી છુટછાટમાં કોરોના દર્દીઓમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા કોઇ ચોક્કસ કામગીરી કરીને કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યામાં ઘટાડો થાય તેવી કામગીરી કરવામાં આવે એવુ જાગૃત નાગરિકોમાં ચર્ચાય છે.
આ અંગે આરોગ્ય વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર પ્રાંતિજ તાલુકાના સીતવાડા ગામમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થતા સમગ્ર વિસ્તારને સંવેદનશીલ જાહેર કરીને બહારગામથી આવેલા લોકોને હોમકોરન્ટાઇનમાં રહેવા માટેના આદેશ કરવામાં આવ્યા હતા.