હિંમતનગર, તા.૯
છેલ્લા કેટલાક વખતથી સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ નારાજ થઈને તેમની માંગણીઓ સંતોષવા માટે લોકશાહી ઢબે આંદોલન અને હડતાલનું શસ્ત્ર ઉગામીને સરકારની શાન ઠેકાણે લાવવાની પેરવી કરી રહ્યા છે. ત્યારે સોમવારે સવારે આરોગ્ય કર્મચારીઓની રેલી અને ધરણાનો કાર્યક્રમ યોજાયા બાદ જિલ્લાના ર૮ર મહેસૂલી કર્મચારીઓએ રેલી કાઢીને કલેક્ટર કચેરી આગળ ધરણા કર્યા હતા. તે જ પ્રમાણે તાલુકા કક્ષાએ પણ આવા કાર્યક્રમ યોજાતા મહેસૂલી શાખામાં ખુરશીઓ ખાલી રહી હતી.
આ અંગે સાબરકાંઠા જિલ્લા મહેસૂલી મંડળ હિંમતનગર દ્વારા પ્રમુખ એન.બી.રાઠોડ અને મહામંત્રી એન.જી.સોલંકીએ કર્મચારીઓ વતી જિલ્લા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવાયા મુજબ છેલ્લા ઘણાં સમયથી મહેસૂલી કર્મચારીઓની ૧૭ પડતર માગણીઓ અંગે તબક્કાવાર સરકાર સમક્ષ કરાયેલ રજૂઆતો બાદ કોઈ હકારાત્મક અભિગમ દાખવવામાં આવતો નથી રાજ્યના મંડળે મહેસૂલ મંત્રીને કરેલી લેખિત રજૂઆત બાદ પણ કોઈ નિર્ણય કરાયો ન હતો. જેથી ગત તા.પ ડિસેમ્બરના રોજ મહામંડળની રાજ્ય કક્ષાની બેઠક બોલાવાઈ હતી.
આ બેઠકમાં તા.૯ ડિસેમ્બરના રોજ યોજાયેલી જી.પી.એસ.સી.ની પરીક્ષા કામગીરી ઉપરાંત અન્ય કામગીરીનો બહિષ્કાર કરવાનું નક્કી કરાતા રવિવાર તા.૮ ડિસેમ્બરના રોજ યોજાયેલી જી.પી.એસ.સી.ની પરીક્ષાની કામગીરીમાં મહેસૂલી કર્મચારીઓ જોડાયા ન હતા દરમિયાન સોમવારે હિંમતનગર સહિત જિલ્લાના તમામ તાલુકા મથકે મહેસૂલી કર્મચારીઓએ મહામંડળ આદેશને ગ્રાહ્ય રાખી અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાયા હતા તથા તાલુકા અને જિલ્લા કક્ષાએ બધા મળીને ર૮ર કર્મચારીઓએ જોડાઈ રેલી તથા ધરણાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેના લીધે અઠવાડિયાનો પ્રથમ દિવસ હોવા છતા તમામ મહેસૂલી કર્મચારીઓની હડતાલને કારણે સરકારી કચેરીઓમાં ખુરશીઓ ખાલી રહી હતી આ આંદોલનમાં મહેસૂલી કામગીરી કરતા કલાર્ક સંવર્ગના કર્મચારીઓ જોડાતા કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી જેના લીધે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા અરજદારોને ધરમધક્કો થયો હતો.