હિંમતનગર, તા.ર૩
સાબરકાંઠા જિલ્લામાં રવિવારથી વાતાવરણમાં પલ્ટો આવાને કારણે આકાશ આછા વાદળોથી ઘેરાઈ ગયું હતું અને સોમવારે સવારથી જ ઠંડો પવન શરૂ થઈ જવાને કારણે અનેક ઠંડીને કારણે ટુંઠવાઈ ગયા હતા તથા આખો દિવસ ગરમ વસ્ત્રો પહેરી રાખવા પડ્યા હતા. વાતાવરણમાં આવેલા બદલાવાને કારણે આગામી બે-ત્રણ દિવસમાં માવઠું થવાની શક્યતા નકારી શકાતી નથી અને જો માવઠુ થશે તો ખેડૂતોની હાલત પડતા પર પાટું જેવી થવાની શક્યતા છે.
સાબરકાંઠા જિલ્લામાં રવિવારથી વાતાવરણમાં આવેલા પલ્ટાને કારણે રવિવારે તાપમાન ૧૭ થી ર૭ ડિગ્રી રહેવા પામ્યું હતું. જે આજે પણ સોમવારે યથાવત્‌ રહ્યું હતું. દરમ્યાન સોમવારે સવારથી જ ઉત્તર પૂર્વના ઠંડા પવનો શરૂ થઈ જવાને કારણે ઠંડીની અસરો વર્તાઈ હતી. વાદળછાયા વાતાવરણને લઈને સૂર્યપ્રકાશ પણ ઝાંખો દેખાયો હતો. આખો દિવસ ચાલુ રહેલા પવનને કારણે લોકોએ ગરમ વસ્ત્રો પહેરી રાખવાનું મુનાસિબ માન્યું હતું.
બીજી તરફ અરબી સમુદ્રમાં લો પ્રેસરને લઈને ઉત્તર ગુજરાતના કેટલાક સ્થળે માવઠું થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવાઈ રહી છે. ત્યારે જો સાબરકાંઠામાં ન કરે નારાયણ અને માવઠુ થાય તો તેના લીધે રાયડો, જીરૂના પાકને અવળી અસરો પડી શકે તેમ છે. વાદળછાયા વાતાવરણને લીધે હાલ તો દિવેલાના પાકમાં ઈયળોનો જે ઉપદ્રવ વધી ગયો છે તેને લઈ ખેડૂતો ખૂબ જ ચિંતિત બની ગયા છે. આમેય આ વર્ષે પાકને અનુકૂળ વાતાવરણ ન રહેવાને કારણે ખેડૂતો માટે નુકસાનકારક છે.