હિંમતનગર, તા.ર૭
એક બાજુ કોરોના વાયરસે દેશના અર્થતંત્રને હલાવી દીધું છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં થયેલા માવઠાએ હજારો હેક્ટર જમીનમાં ખેડૂતોએ કાપણી કરેલ ઘઉં પલળી જતાં ખેડૂતોના માથે નવી આફત આવી પડી છે. એક અંદાજ પ્રમાણે સાબરકાંઠા જિલ્લામાં અંદાજે દસ હજાર હેક્ટરથી વધુ જમીનમાં ખેડૂતો કાપણી કરીને મશીનથી કાઢી ઘરે લાવવાની તૈયારી કરતા હતા. ત્યાં હિંમતનગર પ્રાંતિજ તલોદ ઇડર વડાલી ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગરમાં વીજળીના કડાકા અને પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો જેને લઇને ખેડૂતોની હાલત દયનિય બની જવા પામી હતી. આ અંગે ખેડૂતએ જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલાં વાવાઝોડા સાથે વરસાદને લઈને પિયત ઘઉં જમીનદોસ્ત થયા હતા. ત્યારબાદ ગતરાત્રે ભારે પવન, વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે જિલ્લામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેને લઈને જગતનો તાત પોતાની રહી સહી આશાઓને જીવંત રાખી પોતાના પલળી ગયેલા પાકને બચાવવા ખેતરોમાં જઈને મથામણ કરી રહ્યો છે. માવઠાને કારણે સાબરકાંઠા જિલ્લામાં અંદાજે કરોડો નુકસાન થયું હોવાનું ખેતીવાડી વિભાગના સૂત્રોમાંથી જણાવાયું છે.