હિંમતનગર,તા.૩૦
સાબરકાંઠા જિલ્લામાં બે દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે વરસાદની હેલી થઈ ગઈ છે સતત પડી રહેલા વરસાદને કારણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવેતર કરાયેલ મગફળી, કપાસ અને દિવેલાનો પાક નિષ્ફળ ગયો છે. તો બીજી તરફ આગામી દિવસોમાં વરસાદ ચાલુ રહેશે તો જિલ્લામાં લીલો દુષ્કાળ પડી શકે તેમ છે દરમ્યાન રવિવારે રાતથી સોમવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં પ્રાંતિજમાં અંદાજે સાડા ત્રણ ઈંચ, હિંમતનગરમાં અઢી ઈંચ જ્યારે ઈડર અને તલોદ પંથકમાં બે ઈંચથી વધુ વરસાદ પડ્યો છે તથા વિજયનગરમાં દોઢ અને પોશીના તથા વડાલીમાં એક ઈંચથી વધુ વરસાદ પડી ચૂક્યો હતો.
સોમવારે વહેલી સવારથી સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ શરૂ થઈ ગયો હતો. તેના પરિણામ સ્વરૂપે ઈડર પંથકમાં ૪પ મીમી, ખેડબ્રહ્મામાં ર૦ મીમી, તલોદમાં ૪ર જ્યારે પ્રાંતિજ પંથકમાં સોમવારે સવારથી બપોરે ૪ વાગ્યા સુધીમાં ૭પ મીમીથી વધુ વરસાદ પડ્યો હતો, પોશીનામાં ૧૩, વડાલીમાં ૧૯, વિજયનગરમાં ૧૬ જ્યારે હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં બપોર સુધીમાં ૬પ મીમીથી વધુ વરસાદ પડતાં જાણે કે વરસાદની હેલી થઈ હતી. જિલ્લામાં પડી રહેલા વરસાદને કારણે ચોમાસુ પાક તરીકે ખેડૂતોએ વાવેતર કરેલ ૬૦૮૪ હેક્ટરમાં મોટાભાગનો ડાંગરનો પાક જમીનદોસ્ત થઈ ગયો હતો. જિલ્લામાં મકાઈનું અંદાજે ૧ર૩ર૬ હેક્ટરમાં વાવેતર કરાયેલ મકાઈનો પાક પણ નિષ્ફળ ગયો છે. ખેડૂતોએ વાવેતર કરેલ અંદાજે ૩૧૭૮૯ હેક્ટરમાં જે દિવેલા રોપ્યા હતા. તે પણ સતત વરસાદને કારણે કહોવાઈ ગયા છે. સાથો સાથ જિલ્લામાં સૌથી વધુ વાવેતર કરાયેલ અંદાજે પ૭૭૪૧ હેક્ટરમાં કપાસના પાકમાં પાણી ભરાઈ જવાને કારણે તે પૈકીનો મોટાભાગનો કપાસ નિષ્ફળ જશે.