(સંવાદદાતા દ્વારા) હિંમતનગર, તા.૧
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા આગામી તા.પ માર્ચથી લેવાનાર છે, ત્યારે તેના માટે બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખો સહિત કાર્યક્રમ જાહેર કરાયો છે, ત્યારે શિક્ષણ વિભાગે સા.કાં. અને અરવલ્લી જિ.માં ધો.૧૦ માટે ચાર જ્યારે ધો.૧ર માટે બે નવા પરીક્ષા કેન્દ્રોની મંજૂરી આપી છે, જે મુજબ આ પરીક્ષા કેન્દ્રોમાં ધો.૧૦ના બે પરીક્ષા કેન્દ્રો મંજૂર કરાયા છે. તેમા ઈડર અને ખેડબ્રહ્મા તાલુકાનો સમાવેશ થાય છે, જ્યારે ધો.૧રમા તલોદ તાલુકાનું ૧ અને મોડાસા તાલુકાના એક કેન્દ્રની મંજૂરી અપાઈ છે. આ અંગે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આગામી તા.પ માર્ચથી શરૂ થનારી ધો.૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષામાં સા.કાં. જિલ્લાના ૮૮ પરીક્ષા કેન્દ્રો બોર્ડ દ્વારા મંજૂર કરાયા હતા, પરંતુ વધુ પરીક્ષા કેન્દ્રો શરૂ કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ૧૦ માટે ઈડર તાલુકાના નેત્રામલી અને આદિવાસી વિસ્તારમાં આવેલ ખેડબ્રહ્માની લક્ષ્મીપુરા હાઈસ્કૂલને પરીક્ષા કેન્દ્ર તરીકે મંજૂરી અપાઈ છે. ઉપરાંત અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલ ડુઘરવાડા અને ભિલોડા તાલુકાના મુનાઈ કેન્દ્રને પણ માન્યતા અપાઈ છે, જેથી આ વર્ષે આ બંને નવા મંજૂર થયેલા પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. વધુમાં માધ્યમિક શિક્ષણ બોર્ડના કારોબારી સભ્ય ભાનુભાઈ પટેલ જણાવાયા મુજબ ધો.૧ર માટે તલોદ તાલુકાના પુંસરી કેન્દ્રને સામાન્ય પ્રવાહનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે, તે જ પ્રમાણે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઈ નજીક આવેલ જીતપુર કેન્દ્રને પણ માન્યતા અપાઈ છે. આમ, આ વર્ષે સા.કાં.ના ૪૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ ધો.૧૦ અને ૧રની પરીક્ષા આપશે. જો કે, પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા આગોતરૂ આયોજનને આખરી ઓપ અપાઈ રહ્યો છે.