હિંમતનગર, તા.૩૦
ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી, અમદાવાદ અને રાજસ્થાનથી વાહન ચોરી અને લૂંટના ગુનામાં સંડોવાયેલી બે ગેંગના મળી એક બાળ તથા અન્ય ત્રણ જણાને એલસીબીએ ઝડપી લઈ તેમની પાસેથી અંદાજે રૂા.પ.૬૦ લાખના ર૦ બાઈકો કબજે લઈ પૂછપરછ દરમ્યાન આ ઉઠાવગીરોએ ૪૮ વાહન ચોરી તથા રાજસ્થાનમાં એક લૂંટના ગુનામાં સંડોવાયેલા હોવાની કબૂલાત કરી હતી જો કે હજુ કેટલાક ઉઠાવગીરોને પકડવા માટે પોલીસે વ્યૂહરચના બનાવીને તપાસનો દોર રાજસ્થાન સુધી લંબાવ્યો છે.
આ અંગે જિલ્લા પોલીસવડા ચૈતન્ય માંડલીક તથા એલસીબીના પીઆઈ વી.આર. ચાવડા તથા તેમની ટીમના જણાવાયા મુજબ તેઓ મોબાઈલ પોકેટ કોપનો ઉપયોગ કરી વિવિધ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે મથતા હતા ત્યારે તેમને એવી બાતમી મળી હતી કે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો હિંમતનગરના મોતીપુરા સર્કલ નજીક ફરે છે. જે આધારે પોલીસે વોચ ગોઠવીને બન્નેને ઝડપી લીધા હતા. ત્યારબાદ આ બન્ને જણાની પૂછપરછ કરાતા
તેમાં સાગરકુમાર ઉર્ફે સાગલો કાંતિલાલ મીણા (રહે. કણબઈ તા.ખેરવાડા, રાજસ્થાન) તથા કમલેશ કાવા ડામોર (રહે.કણબઈ)ને પકડી લીધા બાદ વધુ પૂછપરછ કરાતા તેઓએ અન્ય સાગરિતોની મદદથી સાબરકાંઠા અમદાવાદ તથા રાજસ્થાનના વિવિધ સ્થળેથી ર૧ વાહન ચોરી તથા એક લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો.
પકડાયેલી મોટાભાગની બાઈકો હિંમતનગરની
એલસીબીએ પકડેલી ર૦ પૈકી મોટાભાગની બાઈકો હિંમતનગર વિવિધ વિસ્તારોમાં ચોરાઈ હોવાનું એ-ડિવિઝન તથા બી-ડિવિજન અને ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ સ્વરૂપે ગુનો નોંધાયો હતો. પકડાયેલી આ બાઈકો ખાસ કરીને શહેરના સહકારી જીન, મહાવીરનગર તથા નવી સિવિલ સહિત બસ સ્ટેન્ડ સહિતના અન્ય વિસ્તારોમાંથી ચોરાઈ હતી. ઉપરાંત આ સાગરિતોએ અમદાવાદના ઘાટલોડિયા તથા રાજસ્થાનના વિવિધ સ્થળે વાહન ચોરી કરતા તેમની વિરૂદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે.