(સંવાદદાતા દ્વારા)
હિંમતનગર, તા.૨૫
સાબરકાંઠા જિલ્લામાં મહિલાઓ, બાળકો અને સિનિયર સિટીઝનની રક્ષા કાજે શક્તિવિંગની રચના કરવામાં આવી છે. આ શક્તિવિંગ દ્રારા આજે એક વૃદ્ધાને પોતાના પરીવાર સાથે મિલન કરાવી સાચા અર્થમા આ વિંગે પોતાના નામને સાર્થક કરી બતાવ્યું છે.
મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે ચાલતા ૧૮૧ અભયમ વાનમાં ૮૫ વર્ષના કાંતાબેન બારોટને તા.૨૨ ઓગસ્ટના અભયમની ટીમ દ્વારા વૃદ્ધાને મદદ અને સાંત્વના આપી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા. આ વૃદ્ધા હિંમતનગરના ગઢોડાના વતની હોવાનું જાણી પી.આઇ. ત્રિવેદી અને તેમની શક્તિવિંગની ટીમ દ્વારા પૂછપરછ કરતા તેમના પરિવાર અંગે જાણકારી લેવામાં આવી હતી. કાંતાબેનને બે દિકરા છે પરંતુ બંને દિકરાઓમાંથી એક પણ દિકરો તેમની માતાને પોતાની સાથે રાખવા તૈયાર ન હોવાથી કાંતાબેનને ના છુટકે આ ઉંમરે અભયમનો સહારો લીધો પરંતુ તેઓ પોતાના સંતાનો વિરૂદ્ધ કોઇ કાયદાકીય કાર્યવાહી કરવા માંગતા ન હોતા, આ કારણે પી.આઇ. ત્રિવેદીએ કાંતાબેનના બે દિકરાઓ, દીકરી અને અન્ય પરિવારજનોને બોલાવી તેમની સાથે વાતચીત કરી દિકરાઓને સમજાવતા કાંતાબેનને તેમના નાના દિકરાને ઘરે ખુશી ખુશી મોકલવામાં આવ્યા હતા.
આમ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ચૈતન્ય માંડલીક દ્વારા રચવામાં આવેલી શક્તિવિંગ દ્વારા આજે એક વૃદ્ધાને પોતાનો પરીવાર પાછો મળ્યો છે. શક્તિવિંગની રચના પાછળનો ઉદ્દેશ્ય મહિલાઓ અને સિનિયર સિટીઝનની રક્ષા છે.જે આજે સાર્થક થતી નજરે પડે છે.