હિંમતનગર, તા.૭
અત્યાર સુધી કોરોના કહેરનો સાબરકાંઠા પર પડછાયો પડ્યો ન હતો જેને લઈને પ્રજા વહિવટી તંત્ર બેફીકર હતું. પરંતુ હિંમતનગર સિવિલમાં સ્ટાફ બ્રધર્સ તરીકે ફરજ બજાવતા એક ૩૩ વર્ષના કર્મચારી અન્યના સંપર્કમાં આવતા તેની તબિયત લથડી હતી તેને સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં તેના નમુના લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા બાદ સોમવારે રાત્રે તેનો રીપોર્ટ પોઝેટીવ આવતાની સાથે જ સમગ્રવહિવટી તંત્ર અને હિંમતનગર સિવિલ સંકુલમાં ખળબળાટ મચી જવા પામ્યો હતો જોકે સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોધાયા બાદ હિંમતનગર નગરપાલિકા દ્વારા સિવિલના તમામ બિલ્ડીંગોને ફોગીંગ મશીનથી સેનેટાઈઝ કરાયા છે તથા કોરોના પોઝેટીવ દર્દીના સંપર્કમાં આવેલા ૩૦ જણાને હિંમતનગર નજીકની એક સરકારી હોસ્ટેલમાં કોરોનટાઈન કરી દેવાયા છે.
આ અંગે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર હિંમતનગર સિવિલમાં સ્ટાફ બ્રધર્સ તરીકે ઉપજ બજાવતા મુળ રાજસ્થાનના રાજસંમદ જિલ્લાના ઉથનોલ ગામના નરેન્દ્રસિંહ રોશનલાલ તોમર (ઉ.વ.૩૩) છેલ્લા કેટલાક સમયથી હિંમતનગરની સિવિલમાં છેલ્લા ચાર વર્ષથી નોકરી કરે છે અને પોતાની પાસે માલિકીની ઈકો કાર પણ રાખે છે. આ ઉપરાંત નરેન્દ્રસિંહ તોમર હિંમતનગર સિવિલના બી બ્લોકમાં રહેતો હતો જોકે દશેક દિવસ અગાઉ તે આઈસોલેશન વોર્ડમાં ફરજ બજાવતો હોવાને કારણે ગમે તે કારણસર તેને તાવ, શરદી અને ઉઘરસ થતા તબીબોએ તેનું મેડિકલ ચેકઅપ કર્યું હતું.
દરમિયાન કેટલાક ઉપચાર કરવા છતા તેની તબિયતમાં સુધારો ન જણાતા થોડા દિવસ અગાઉ તેના લોહીના નમુના તથા અન્ય નમુના તપાસ માટે મોકલી અપાયા હતા અને તેનો રીપોર્ટ સોમવારે મોડી રાત્રે હિંમતનગર સિવિલના સત્તાવાળાઓને મળતાની સાથે જ તેઓ ચોકી ઉઠ્યા હતા. અને તરત જ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હોવાની સત્તાવાર માહિતી આપતાની સાથે જ સમગ્રવહિવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી તો બીજી તરફ મંગળવારે સવારે સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયાની આમ પ્રજાને ખબર પડતા લોકો ભયભીત બની ગયા છે. તેમ છતા સાવચેતીના પગલારૂપે હિંમતનગર સહિત જિલ્લાના અન્ય સ્થળે પ્રજાએ લોકડાઉનના કડક અમલમાં તન, મન અને ધનથી સહયોગ આપીને પોતાની સલામતી માટે ઘરે રહેવાનું ઉચિત માન્યું છે જેને લઈને ખાસ કરીને પોલીસ તંત્રને થોડીક રાહત થઈ છે.
બીજી તરફ હિંમતનગર સિવિલમાં કોરોના દર્દીને આઈસોલેશન વોર્ડમાં સારવાર માટે રખાયા બાદ તેના સંપર્કમાં આવેલા અન્ય ૩૦ જણાને પણ હિંમતનગર નજીકના એક સરકારી છાત્રાલયમાં કોરોનટાઈન હેઠળ રાખી દેવામાં આવ્યા છે. જ્યાં તબીબોની ટીમ પણ તહેનાત કરી દેવામાં આવી છે. સાથોસાથ અગમચેતીના ભાગરૂપે હિંમતનગર નગરપાલિકાના માર્ગદર્શન હેઠળ ફાયરબ્રિગેડના જવાનોએ મંગળવારે હિંમતનગર સિવિલના બીબ્લોક તથા અન્ય વોર્ડનને ફોગીંગ મશીનથી સેનેટાઈ કરી દેવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા લોકોને એવી અપીલ કરાઈ છે કે જ્યા સુધી તંત્ર લોકડાઉન અંગે નવો કોઈ આદેશ ન કરે ત્યા સુધી પ્રજાએ પોતાની સલામતી માટે ઘરે રહેવું જોઈએ.
૩૦ જણાને ક્યાં કોરોન્ટાઈન કરાયા
હિંમતનગર સિવિલના સ્ટાફ બ્રધર્સ કોરોનાનો ભોગ બન્યા બાદ તેના સંપર્કમાં આવેલા અન્ય સ્ટાફ નર્સ, જુનીઅર તબીબો તથા બી બ્લોકમાં રહેતા લોકો મળી ૩૦ જણાને હિંમતનગર પાસેના પાણપુર નજીક આવેલ સમરસ હોસ્ટેલમાં તબીબોની ટીમની નિગરાની હેઠળ કોરોન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.
સિવિલનો સ્ટાફ બ્રધર્સ કેવી રીતે ભોગ બન્યો
હિંમતનગર સિવિલમાં ચાર વર્ષથી બ્રધર્સ તરીકે ફરજ બજાવતા નરેન્દ્રસિંહ તોમર પોતાની મીલિકીની ઈકો ગાડી ધરાવતો હતો અને ભાડાની લાલચમાં તે રાજસ્થાનના જે દર્દીઓ હિંમતનગર સિવિલમાં સારવાર લેવા આવતા હતા તેમને પાછા મુકવા માટે પોતાની ઈકો કાર લઈને અવારનવાર જતો હતો જેના લીધે કોરોનાનો ચેપ લાગ્યો હોવાની શક્યતા નકારી શકાતી નથી ઉપરાંત લોકડાઉન પૂર્વ પોતાની ઈકો કાર પર એમ્બ્યુલન્સનું સ્ટીકર પણ લગાવીને ફરતો હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જણાવ્યું છે.
કોરોનાના પોઝેટીવ દર્દી માટે વિશેષ વોર્ડ તૈયાર કરાયો
હિંમતનગર સિવિલમાં કોરોના પોઝેટીવના દર્દી માટે સિવિલ સત્તાવાળાઓએ મંગળવારે તાબડતોડ સિવિલના પાંચમાં માળે ખાસ વ્યવસ્થાઓ સાથેનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરીને દર્દીને આ નવા વોર્ડમાં દાખલ કરી દેવાયા છે જેને લઈને અન્ય કોઈને ચેપ લાગવાની શક્યતા નહિવત બની જાય છે.
દર્દીના પરિવારને કોરોન્ટાઈન કરાયું
હિંમતનગર સિવિલના સ્ટાફ બ્રધર્સને કોરોના પોઝેટીવ ના લક્ષણો જણાયા બાદ સિવિલ સત્તાવાળાઓએ તેની પત્ની તથા બે બાળકોને અગમચેતીના પગલારૂપે કોરોન્ટાઈન કરી દેવામાં આવ્યા હોવાનું સિવિલના આરએમઓ એન.એમ.શાહએ જણાવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો સંપર્કમાં આવેલ ૩૦ને કોરોન્ટાઈન કરાયા

Recent Comments