હિંમતનગર, તા.૨૭
સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગના કોરોના સંક્ર્‌મણને રોકવાના અને દર્દીઓને કોરોના મુક્ત કરાવવા માટે અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે જેના પરીણામે અત્યાર સુધીમાં બે મહિનાની બાળકીથી લઈ ૮૦ વર્ષિય વૃધ્ધાને તબીબી ટીમ દ્રારા કોરોના મુક્ત કરવામાં આવ્યા છે. તબીબી ટીમની મહેનતના કારણે જિલ્લાના વધુ બે દર્દીઓ કોરોનાને માત આપી જેમાં હિંમતનગરના ૩૦ વર્ષિય રેખાબેન કલાસ્વા અને પ્રાંતિજના ૭૦ વર્ષિય ગોવિંદભાઇ પરમાર મેડીસ્ટાર હોસ્પિટલ હિંમતનગર ખાતેથી કોરોનાને માત આપતા ઘરે જવા રજા અપાઇ હતી. જિલ્લામાં આવેલા રીપોર્ટમાં પ્રાંતિજ તાલુકાના પ્રાંતિજના વ્હોરવાડ વિસ્તારના ૫૧ વર્ષિય પુરૂષ, હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ વિસ્તાર સર્વોદય બંગ્લોઝના ૭૦ વર્ષિય વૃધ્ધા અને શનિવારે આવેલા કોવિડ-૧૯ના વધુ ૬ કેસ નોંધાયા જેમાં પ્રાંતિજ તાલુકામાં પ્રાંતિજ શહેરના પંડ્યા વાસ ના ૫૧ વર્ષિય પુરૂષ અને દેસાઇની પોળના ૪૬ વર્ષિય પુરૂષ , તલોદ તાલુકાના સલાટપુરના ૪૮ વર્ષિય પુરૂષ અને રણાસણના ૫૭ વર્ષિય પુરૂષ તેમજ ઇડર તાલુકાના ચિત્રોડાના સાબલી ગામના ૫૧ વર્ષિય પુરૂષ અને ખોડમ ગામના ૬૦ વર્ષિય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કુલ ૧૪૦ કેસ નોંધાયા છે. જેમાંથી ૧૧૩ દર્દી કોરોના મુક્ત થયા છે. જયારે ૬ કોરોના દર્દીના દુઃખદ મૃત્યુ થયા હતા. હાલમાં ૨૧ દર્દી કોરોનાની સારવાર હેઠળ છે.