(સંવાદદાતા દ્વારા) હિંમતનગર, તા.૧૫
લગભગ ૩૪ મહિના બાદ સાબરકાંઠાની પ્રજાને બ્રોડગેજ રેલવેના લાભ આજથી મળતો થયો છે. જો કે, અમદાવાદના અસારવાથી નિર્ધારિત સમયે રવાના થયેલી આ ટ્રેનને હિંમતનગર આવતા લગભગ પાંચ કલાકનો સમય લાગ્યો હતો. જો કે, તેની પાછળનું કારણ એ હતું કે, અસારવાથી નીકળેલી આ ડેમુ ટ્રેનને દરેક સ્ટેશન પર લોકોએ ફરજિયાત રોકીને તેનું ઉલ્લાસભેર સ્વાગત કરતા આ ટ્રેન સાંજે લગભગ સાત વાગે હિંમતનગર આવી પહોંચી હતી. ટ્રેનના સ્વાગત અને તેને હિંમતનગરથી વિદાય આપવા માટે સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, હિતેશ કનોડિયા અને ગજેન્દ્ર પરમારની ઉપસ્થિતિમાં હિંમતનગર રેલવે સ્ટેશન પર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સાંસદે જણાવ્યું હતું કે, અમદાવાદથી હિંમતનગર થઈ ઉદેપુર સુધી લઈ જવા માટે રેલવે તંત્ર ધમધોકાર કામગીરી કરી રહ્યું છે, જેથી ડિસેમ્બર સુધીમાં સાબરકાંઠા અને અરવલ્લીની પ્રજાને રાજસ્થાન સુધી જવા માટે અનુકૂળતા રહેશે. પ્રથમ દિવસે અમદાવાદના અસારવાથી નીકળેલી સુશોભિત ડેમુ ટ્રેનનું તલોદ, પ્રાંતિજ, સોનાસણ, રખિયાલ અને દહેગામ રેલવે સ્ટેશનો પર સ્થાનિક લોકોએ ટ્રેનને રોકી તેનું સ્વાગત કર્યું હતું અને ટ્રેનની સ્પિડ જોઈ લોકોને ઝડપથી અમદાવાદ પહોંચવા માટે સસ્તુ અને સલામત માધ્યમ એવી ટ્રેનની સગવડ ઉપલબ્ધ થતાં લોકો હર્ષઘેલા બની ગયા હતા.
ડીઝલને બદલે ટ્રેન વીજળીથી દોડાવવાનું આયોજન
અમદાવાદથી ઉદેપુર વચ્ચે રેલવે ટ્રેકનું કામ પૂર્ણ થઈ ગયા બાદ રેલવે તંત્ર આ લાઈન પર ડીઝલ એન્જિનને બદલે વીજળીથી ચાલતી ટ્રેન દોડાવવા માંગે છે, જેના માટે એકાદ વર્ષમાં વીજપોલ ઊભા કરી સ્થાનિક વીજ કંપની (જેટકો) પાસેથી વીજળી ખરીદીને રેલવેની હદમાં સબ સ્ટેશન બનાવાશે અને તે અને તે માટે રપ મેગાવોટ વીજપાવર ટ્રેન માટે મોકલાશે. જો કે, અમદાવાદના નરોડામાં પણ આવું જ સબસ્ટેશન બનાવવાનું આયોજન રેલવે તંત્ર દ્વારા કરાયું છે, એમ એક જવાબદાર અધિકારીએ જણાવ્યું હતું.