(સંવાદદાતા દ્વારા) હિંમતનગર, તા.૧૧
સાબરકાંઠા જિલ્લામાં સૌ કોઈએ હોળી ધૂળેટીનું પૂર્વ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવીને મજા માણી લીધી છે, ત્યારે મંગળવારે ધૂળેટીના દિવસે જિલ્લા પોલીસ તંત્રના વિવિધ ઉચ્ચ અધિકારીઓએ નવા રોડ પર આવેલ જિલ્લા પોલીસ વડા નિવાસ સ્થાને ભેગા થઈ પાણીનો વેડફાટ કરીને અર્ધનગ્ન હાલતમાં હોળી રમતો વીડિયો વાયરલ થતાં અનેક જિલ્લાવાસીઓએ પ્રતિક્રિયા આપતા ખુદ પોલીસ તંત્રએ શિસ્તના લીરા ઊડાડ્યા હોય તેવું મંતવ્ય વ્યક્ત કર્યું હતું. હિંમતનગરથી નવા જતા રોડ પર આવેલ જિલ્લા પોલીસ વડાના નિવાસસ્થાને પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ જેવા કે પીઆઈ, પીએસઆઈ, ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ બપોરે ભેગા થયા હતા. ત્યારબાદ અગાઉથી કરાયેલી વ્યવસ્થા મુજબ રંગો તથા પાણીના પીપ ભરીને રાખી દેવામાં આવ્યા હતા, જ્યાં અધિકારીઓએ અર્ધનગ્ન હાલતમાં ધૂળેટીનો તહેવાર ડીજેના તાલ સાથે ઊજવ્યો હતો. જેના કારણે જિલ્લા પોલીસ વડાના નિવાસસ્થાને હજારો લીટર પાણીનો વેડફાટ થયો હોવાનું લોકોનું કહેવું છે. એક તરફ નાના કર્મચારીઓ તહેવારોેને લઈને વિવિધ સ્થળે બંદોબસ્તમાં હોવાથી તેઓ પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવાથી વંચિત રહ્યા છે તો બીજી તરફ ઉચ્ચ અધિકારીઓને તહેવારની ઉજવણીમાં કોઈ જ અડચણ આવતી નથી. સમગ્ર ઉજવણીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ખુદ પોલીસ તંત્રના નાના કર્મચારીઓ પણ જાણે કે તેમની સ્વતંત્રતા છિનવાઈ ગયાની લાગણી અનુભવી હતી.