હિંમતનગર,તા.૯
ગુજરાત રાજય ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલી ધો.૧ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ ગુરૂવારે બોર્ડ દ્વારા વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સાબરકાંઠાનું પરિણામ ૬પ.૧પ ટકા આવ્યું છે જે ગત વર્ષની સરખામણીમાં ૦.રપ ટકા ઓછુ છે જો કે આ વર્ષે સાબરકાંઠા જિલ્લામાં ફકત ઈડર કેન્દ્ર પરથી પરીક્ષા આપનાર બે વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવી સમગ્ર જિલ્લામાં પ્રથમ અને દ્રિતિય સ્થાન હાંસલ કર્યું છે. આ અંગેની વિગત એવી છે કે ધો.૧ર વિજ્ઞાન પ્રવાહમાં સાબરકાંઠાના કુલ ૩૧૦૬ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પેકી ૩૦૬૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. કેન્દ્રના પરિણામની વાત કરીએ તો.ધો.૧ર વિજ્ઞાન પ્રવાહના હિંમતનગર કેન્દ્રનું પરિણામ ૬૬.૩૪ ટકા, ઈડરનું ૭૬.૭૪, તલોદનું ૬૪ જયારે વડાલીનું ૪૩.૧પ ટકા પરિણામ આવ્યું છે. જિલ્લામાં સૌથી વધુ પરિણામ લાવનાર કેન્દ્રમાં ઈડર મોખરે સૌથી ઓછું પરિણામ લાવનાર કેન્દ્ર તરીકે વડાલીનો સમાવેશ થાય છે. વર્ષ ર૦૧૯મા લવાયેલી ધો.૧ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં જે ૩૦૬૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તે પૈકી એ-૧ ગ્રેડમાં ઈડરની કે.એમ. પટેલ સ્કૂલમાં ભણતા જૈનમ ગુણવંતભાઈ ગાંધીએ ૩૦૦માંથી ર૯૭ ગુણ મેળવી પ્રથમ ક્રમે તથા આજ સ્કૂલમાં ભણતા પરમાર મનિષ અમૃતભાઈએ ૩૦૦માંથી ર૯૧ ગુણ મેળવી એ-૧ ગ્રેડ મેળવી સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ અને દ્વિતિય સ્થાન મેળવ્યું છે. પરિણામ પર નજર કરીએ તો એ-ર ગ્રેડમાં રપ, બી-૧ ગ્રેડમાં ૧ર૧, બી-ર ગ્રેડમાં ર૭૦, સી-૧ ગ્રેડમાં પ૧૧, સી-ર ગ્રેડમાં ૭૮૧, વિદ્યાર્થીઓ પાસ થયા છે.
બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં સીસીટીવી કેમેરામાં જિલ્લાના કેટલાક વિદ્યાર્થીઓની શંકાસ્પદ હિલચાલ દેખાઈ હતી જે પેકી બોર્ડે રપ વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવી તેમના નિવેદનો લીધા હતા અને તેમાંથી ૧૮ વિદ્યાર્થીઓના પરિણામ અટકાવાયા હોવાનું શિક્ષણ વિભાગના સૂત્રોમાંથી જણાવાયું છે.
ધો.૧ર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ભલે ગુરૂવારે જાહેર થયું હોય અને તેમાં બી-ગ્રુપને પસંદ કરનાર વિદ્યાર્થીઓએ જેટલા ટકા મેળવ્યા છે તેના કરતા તેમને નીટની પરીક્ષામાં કેટલા ગુણ મળે છે તે અગત્યનું હોવાથી બોર્ડના પરિણામની તેમના માનસ પર ઝાઝી અસર થઈ હોય તેમ લાગતું નથી જો કે નીટનું પરિણામ જૂન માસના પ્રથમ સપ્તાહમાં જાહેર થનાર છે.
સિકયોરિટીમેનના પુત્રને આઈટી એન્જિનિયર બનવાનું સ્વપ્ન
વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં પ્રથમ ક્રમે આવેલા ઈડરના જૈનમ ગાંધીના પિતા કાપડનો વેપાર કરે છે જયારે દ્વિતિય ક્રમે આવેલા મનિષ પરમારના પિતા ખાનગી એજન્સીમાં સિકયોરીટીમેન તરીકે ફરજ બજાવે છે જયારે તેમની માતા આશાવર્કર છે અને મનિષને ઉજજવળ કારકિર્દી માટે આઈટી એન્જિનિયર બનવાનો મનસુબો ધરાવે છે.