હિંમતનગર, તા.રપ
સાબરકાંઠા જિલ્લાના પશુપાલકોને પોતાના પશુઓની ઝડપથી સારવાર મળી રહે તે માટે જિલ્લામાં ચાર મોબાઈલ પશુ દવાખાનાની એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. જેને જિલ્લા વિકાસ અધિકારી ડૉ. રાજેન્દ્ર પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ રતનબેન સુતરીયાની ઉપસ્થિતિમાં કાર્યરત કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે, રાજ્ય કક્ષાએથી ૧૦૮ જેટલી પશુ સારવાર માટેની એમ્બ્યુલન્સ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રાજ્યભરમાં રવાના કરવામાં આવી હતી. જે પૈકી સાબરકાંઠા જિલ્લામાં પશુઓની સારવાર માટે ૪ મોબાઈલ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી ડૉ. રાજેન્દ્ર પટેલે જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરણાથી ૧૦ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાનની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના કારણે પશુ પાલકો ૧૯૬૨ પર કોલ કરી પોતાના પશુની નિઃશુલ્ક સારવાર કરાવી શકશે. રાજ્ય સરકારની આ યોજના મારફતે નિઃશુલ્ક પશુ સારવાર ૩૬૫ દિવસ સવારે ૭થી રાત્રે ૭ દરમ્યાન પશુપાલકોને ઘરે બેઠા ઉપલબ્ધ થશે. આ તમામ વાહનોમાં જી.પી.એસ.ની સુવિધા હોવાથી મુખ્યમંત્રીના ડેશબોર્ડ મારફતે યોજનાનું રીયલ ટાઈમ મોનિટરીંગ પણ કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લાના પશુપાલન અધિકારી જનક પટેલ, પ્રોજેક્ટ કો.ઓડીનેટર ૧૯૬૨ પ્રતિક સુથાર તેમજ ૧૦૮ના જૈમિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.