(સંવાદદાતા દ્વારા) હિંમતનગર, તા.૨૪
અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે સોમવારે સાબરકાંઠા સહિત રાજ્યના અન્ય સ્થળેથી લોકોને લઈ જવા માટે સરકારી તંત્ર દ્વારા એસટી નિગમની બસોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેને લઈને એસટી નિગમના હિંમતનગર ડિવિઝન દ્વારા સોમવારે અંદાજે ૩૦૦ બસો અમદાવાદ મોકલાઈ હતી. જેને લઈને હિંમતનગર ડિવિઝનના વિવિધ ડેપોમાંથી રોજબરોજ જે રૂટોનું સંચાલન કરાતું હતું તેને એક દિવસ માટે બંધ રાખવાની ફરજ પડી હતી. અમદાવાદ જવા માટે ટ્રાન્સપોર્ટેશનની જવાબદારી ગુજરાત રાજ્ય એસટી નિગમને સોંપવામાં આવી હતી. જેને લઈને ગુજરાતના મોટાભાગના તમામ ડિવિઝનોમાંથી મોટાભાગની બસો અમદાવાદ લઈ જવાઈ હતી. જેના ભાગરૂપે હિંમતનગર એસટી ડિવિઝનના તાબામાં આવતા હિંમતનગર, પ્રાંતિજ, ઈડર, ખેડબ્રહ્મા, વિજયનગર અને માણસા ડેપોમાંથી મળીને અંદાજે ૩૦૦ બસો મૂકાઈ હતી. જેના લીધે મોટાભાગના તમામ ડેપો દ્વારા ખાસ કરીને ગ્રામ્ય રૂટો રવિવારે સાંજથી રદ્દ કરી દેવામાં આવ્યા હતા. જો કે, લાંબા અંતરની બસોને યથાવત્‌ રાખવામાં આવી હતી. સોમવારે સપ્તાહનો પ્રથમ દિવસ હોવાને લીધે વહેલી સવારથી જ એક સ્થળેથી અન્ય સ્થળે જવા માંગતા મુસાફરોને લાંબો સમય બસની રાહ જોવા છતાં બસ ન આવતા પરાણે ખાનગી વાહનોમાં મુસાફરી કરવાની ફરજ પડી હતી. આ અંગે હિંમતનગર ડિવિઝનના એક અધિકારીએ નામ ન આપવાની શરતે સરકારનો બચાવ કરતા એવો દાવો કર્યો હતો કે, હિંમતનગર ડિવિઝનની જે ૩૦૦ બસો અમદાવાદ મોકલાઈ હતી, તે બસો બપોર બાદ પરત આવી ગઈ હતી અને બસ વ્યવહાર રાબેતા મુજબ બની ગયો હતો તો બીજી તરફ દિવસ દરમિયાન હિંમતનગરનું મુખ્ય બસ મથક સહિત તાલુકા સ્થળે આવેલ બસ ડેપો બસો વિના ખાલી ભાસતું હતું.