(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૯
આણંદ શહેરમાં ૮૦ ફુટ રોડ પર હોટલ બલ્યુ વેલીના વિરોધમાં ગત તા.૨૪મી ઓકટોબરના રોજ આયોજિત કાર્યક્રમમાં મુસ્લિમ સમાજ વિરૂદ્ધ ઉશ્કેરણીજનક ભાષણ કરનારા કટ્ટરવાદી શખ્સો વિરૂદ્ધ ગુનો નહીં નોંધાય તો સાબરમતી આશ્રમથી રાજ ભવન સુધી ન્યાયયાત્રા યોજવાની માઈનોરીટી કો-ઓર્ડીનેશન કમિટીએ ચીમકી આપતા અને તેનાં સમર્થનમાં રાજ્યભરમાંથી લોકોએ વીડિયો ક્લીપ વાયરલ કરતા અંતે ખળભળી ઉઠેલી પોલીસે સોમવારે રાત્રે ઉશ્કેરણીજનક ભાષણો કરનારા પિંકલ ભાટીયા અને ડૉ.શૈલેષ શાહ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો, જેને સમગ્ર મુસ્લિમ સમુદાય દ્વારા આવકારવામાં આવ્યો હતો.
મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં ૮૦ ફુટ રોડ પર આવેલી હોટલ બલ્યુ વેલીમાં મુસ્લિમ ભાગીદારો હોઈ કેટલાક કટ્ટરવાદી તત્વો દ્વારા હોટલનો વિરોધ કરાઈ રહ્યો છે ભાજપના પિંકલ ભાટીયા અને ડૉ.શૈલેષ શાહએ ઉશ્કેરણીજનક ભાષણો કર્યા હતા અને કોમ-કોમ વચ્ચે નફરત ફેલાય અને ધર્ષણ અને કોમી તોફાન થાય તેવું કૃત્ય આચર્યું હતું, જેને લઈને મુસ્લિમ સમાજમાં તેના ઘેરા પ્રત્યાધાત પડ્યા હતા. જે અંગે આણંદના જમિઅતે ઉલેમાએ હિંદનાં ઉપપ્રમુખ એમ.જી. ગુજરાતી, ઓલ ઈન્ડીયા ગ્લોબલ ઈમામ કાઉન્સિલના મૌલાના લુકમાન તારાપુરી સહિત અગ્રણીઓ દ્વારા પોલીસ અધિક્ષક અને કલેકટરને લેખિત ફરિયાદ આપી ગુનો નોંધવાની માંગ કરી હતી. ત્યારબાદ મુસ્લિમ યુવાન કારી શકીલભાઈ ઈલ્યાસભાઈએ આણંદ ટાઉન પોલીસ મથકે પિંકલ ભાટીયા અને ડૉ.શૈલેશ શાહ તેમજ ૫૦ અન્ય ઈસમો વિરૂદ્ધ ઉશ્કેરણીજનક ભાષણો કરી શહેરની શાંતિને છીન્નભીન્ન કરવાનો પ્રયાસ કરનારા તત્વો સામે ગુનો નોંધવાની માંગ કરવામાં આવી હતી, તેમ છતાં પોલીસ દ્વારા ગુનો નહીં નોંધી આરોપીઓને છાવરવામાં આવતા હોઈ અંતે અમદાવાદના મુજાહિદ નફીસની મુસ્લિમ કો-ઓર્ડીનેશન કમિટીએ જો આણંદ અને મોરબીમાં ઉશ્કેરણીજનક ભાષણો કરનારા સામે ગુનો નોંધવામાં નહીં આવે તો ૧૦મી નવેમ્બરના રોજ સાબરમતી આશ્રમથી રાજભવન સુધીની ન્યાયયાત્રા કાઢવાની ચીમકી ઉચ્ચારી હતી અને રાજ્યભરમાંથી આ ન્યાયયાત્રાનાં સમર્થનમાં દરેક ધર્મ અને જ્ઞાતિના લોકોએ વીડિયો ક્લીપ વાયરલ કરી પોતાનું સમર્થન આપતા ગાંધીનગરની સરકાર ખળભળી ઉઠી હતી અને જેને લઈને સોમવારે રાત્રે આણંદ ટાઉન પોલીસે ઉશ્કેરણીજનક ભાષણો કરનાર ભાજપનાં પિંકલ ભાટીયા અને ડૉ.શૈલેષ શાહ વિરૂદ્ધ ઈપીકો કલમ ૨૯૫ એ અને ૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Recent Comments