હિંમતનગર,તા.૩૦
સાબર ડેરીના ચેરમેનની ચૂંટણી સોમવારે સાબર ડેરીના સભાખંડમાં યોજાઈ ત્યારે નવા ચેરમેન કોણ બનશે તે અંગે બંને જિલ્લામાં અનેક તર્કવિતર્ક ચાલતા હતા ત્યારે ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ગણતરીની મિનિટોમાં ચેરમેનની ચૂંટણી સંપન્ન થઈ હતી. જેમાં અગાઉ ત્રણ વર્ષ માટે ચેરમેનપદ ભોગવી ચૂકેલ બાયડના શામળ પટેલની બિનહરીફ વરણી કરાઈ હતી. જો કે, જ્યારે તેમણે ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે તેમાં દરખાસ્ત કરનાર પૂર્વ ચેરમેન હતા જ્યારે ટેકો આપનાર હાલના ઈન્ચાર્જ ચેરમેન હતા, જેથી હવે સાબર ડેરીનું સુકાન અરવલ્લીના હાથમાં રહેશે.
આ અંગેની વિગત એવી છે કે, એકાદ માસ અગાઉ મહેશ પટેલે ચેરમેન પદેથી રાજીનામું આપ્યા બાદ જિલ્લાના સહકારી રાજકારણમાં કહી ખુશી કહી ગમના દૃષ્યો સર્જાયા હતા અને નવા ચેરમેન માટે અનેક દાવેદારોના નામ ચર્ચાની એરણે રહ્યા હતા. દરમ્યાન અઠવાડિયા અગાઉ ચૂંટણી અધિકારી એવા પ્રાંત અધિકારીને સાબર ડેરીના ચેરમેનની ચૂંટણી સંપન્ન કરવાની જવાબદારી જિલ્લા કલેક્ટર દ્વારા સોંપવામાં આવી હતી.જેના ભાગરૂપે સોમવારે સવારે દસ વાગે સાબર ડેરીના મિટીંગ હોલમાં ચેરમેનની ચૂંટણીની કામગીરી શરૂ થઈ ગઈ હતી. જેમાં ચેરમેન પદ માટે બાયડ તાલુકાના પીપોદર દૂધ મંડળીના ચેરમેન શામળ બાલાભાઈ પટેલે ઉમેદવારી કરી હતી. જેથી તેમની ઉમેદવારી માટે પૂર્વ ચેરમેન જેઠાભાઈ પટેલે દરખાસ્ત મૂકી હતી અને હાલના ઈન્ચાર્જ ચેરમેન જયંતિ પટેલે ટેકો જાહેર કર્યો હતો. ઉમેદવારી પત્રો ભરવાની મુદત પૂર્ણ થઈ ત્યાં સુધી અન્ય કોઈ ઉમેદવારે ઉમેદવારી ન કરતાં ચૂંટણી અધિકારીએ આખરે શામળ પટેલને સાબર ડેરીના ચેરમેન તરીકે બિનહરીફ જાહેર કર્યા હતા.