(એજન્સી) મુંબઈ, તા.૭
શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના ભરપૂર વખાણ કરવામાં આવ્યા હતા. આ લેખમાં રાહુલ ગાંધીને કેન્દ્ર સરકાર સામે લડત આપતાં યોદ્ધા તરીકે ગણાવવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, કેટલાક દિવસો અગાઉ શિવસેનાએ નેતૃત્વ મુદ્દે રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. જ્યારે આ વખતે તેણે પોતાના મુખપત્રમાં રાહુલની પ્રશંસા કરી હતી. અગ્રલેખમાં શિવસેનાએ જણાવ્યું હતું કે, ભાજપ રાહુલ ગાંધીથી ડરે છે. સામનાના તંત્રીલેખમાં વધુમાં લખવામાં આવ્યું હતું કે, દિલ્હીમાં જે લોકો સરકારમાં બેઠા છે, તેઓ રાહુલ ગાંધીથી ભયભીત છે. જેથી કેન્દ્રની ભાજપ સરકારે ગાંધી પરિવારને બદનામ કરવા રીતસરનું અભિયાન ચલાવ્યું છે. એક માણસ તેમની સામે છે માટે સરમુખત્યારો ગભરાઈ રહ્યાં છે. આ યોદ્ધા પ્રમાણિક હોવાથી તેમના મનમાં સો ગણો ડર પેદા થયો છે. શિવસેનાના સાંસદ અને આ મુખપત્રના તંત્રી સંજય રાઉતે બે સપ્તાહો અગાઉ ગાંધી અને તેમના નેતૃત્વની ટીકા કરી હતી અને એ વાત પર ભાર મૂકયો હતો કે, યુપીએએ એક મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવવાની જરૂર છે. તેમણે એવો સંકેત આપ્યો હતો કે, એનસીપીના પ્રમુખ શરદ યાદવને યુપીએના અધ્યક્ષ બનાવવા જોઈએ. જો કે, શિવસેનાના મુખપત્રના નવા અંકમાં લખવામાં આવ્યું હતું કે, ભાજપ દ્વારા નિશાનો બનાવાતાં હોવા છતાં રાહુલ ગાંધી તેમની સામે મક્કમપણે ઊભા રહ્યાં છે. રાહુલ ગાંધી એક કમજોર નેતા હોવાનો ભાજપ દ્વારા ખોટો પ્રચાર ચલાવવામાં આવ્યો હોવા છતાં રાહુલ ગાંધી કેન્દ્ર સરકારની ટીકા કરવાની એકપણ તક જવા દેતા નથી. તે પહાડની જેમ ભાજપ સામે ઊભા છે અને તેનો મુકાબલો કરી રહ્યાં છે.