અમદાવાદ,તા.૩

ઈદ-ઉલ-અઝહાના  તહેવાર દરમ્યાન ચાલુ વર્ષે સામાજિક અને રાજકીય કાર્યકરોની મહેનત તથા પ્રજામાં આવેલી જાગૃતિના કારણે કુરબાનીના  જાનવરના અવશેષોનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવતા સરાહનીય સફાઈ કામગીરી થઈ હતી. ખાસ કરીને જુહાપુરા વિસ્તારમાં ખૂબ સારી રીતે સફાઈ કામગીરી કરવામાં આવી હતી. એ જ રીતે શાહેઆલમ, દાણીલીમડા, ગોમતીપુર, દરિયાપુર જેવા કોટ વિસ્તાર સહિતના વિસ્તારોમાં લોકોએ પણ ખૂબ સારો સહયોગ આપ્યો હતો.

જુહાપુરા વિસ્તારમાં ઈદ-ઉલ-અઝહાના તહેવાર નિમિત્તે કુરબાનીના  જાનવરની હોજરી, આંતરડા સહિતના અંગો કેટલાક લોકો કચરાપેટીમાં કે અન્યત્ર ખુલ્લામાં નાખી દેતા હોવાથી ભારે દુર્ગંધ ફેલાવા ઉપરાંત રોગચાળાની ભીતિ સેવાતી હતી આથી જુહાપુરાના સામાજિક અગ્રણીઓએ છેલ્લા ત્રણ વર્ષથી સફાઈ ઝુંબેશ શરૂ કરતા લોકોનો સારો એવો પ્રતિસાદ મળી રહેતા સફાઈ કામગીરીને ચાર ચાંદ લાગી જાય છે. છેલ્લા  ત્રણ વર્ષથી આ દિવસો દરમ્યાન દિવસ અને રાત સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં અનિસ દેસાઈ, દાઉદ કોઠારીયા, નજીર પટેલ, યુનુસ મનસુરી, યુનુસ જાંબુવાલા, માહિર દેસાઈ, શરીફ ઘાંચી વગેરે કોર્પોરેશનના અધિકારીઓ સાથે સતત કામગીરી કરી સમગ્ર વિસ્તારની સફાઈ કરાવી સ્વચ્છ બનાવ્યો હતો. ઉપરાંત આ વર્ષે અલ ફલાહ ટ્રસ્ટ અને અન્ય સામાજિક સંસ્થાઓ તથા  મ્યુનિસિપલ કાઉન્સિલરો તરફથી પ્લાસ્ટિકની મોટી થેલીઓનું વિતરણ કરી લોકોને સફાઈ ઝુંબેશમાં જોડાવા જાગૃત કર્યા હતા. જયારે મ્યુનિસિપલ કોર્પોરેશને પણ  સફાઈના જરૂરી સાધનો આપી ઉમદા કામગીરી કરી હતી આમ એક બીજાના  સાથ સહકારથી સમગ્ર વિસ્તારને સ્વચ્છ કરવામાં સફળતા મળી હતી.