(એજન્સી) તેલ અવીવ,તા.૩
સઉદી આરબ અને કતાર એવા દેશો છે જેઓ ઇઝરાયેલ સાથે સામાન્ય સંબંધો સ્થાપિત કરી શકે છે જેના પ્રયાસો અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કર્યા છે. ઈઝરાયેલના એક અધિકારીએ જણાવ્યું હતું. ઇઝરાયેલના ઇન્ટેલીજન્સ મંત્રી એલી કોહેન અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીઓ માટે કોઈ અવધારણાથી દૂર રહ્યા હતા પણ એમણે કહ્યું કે અન્ય આરબ દેશો સાથે સંબંધો સામાન્ય કરવા માટે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ પર આધાર રાખે છે તેઓ ઈરાન સામે કયા પગલાં લે છે એના ઉપર નિર્ભર છે. એમણે કહ્યું કે ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેન ૨૦૧૫ની ઈરાન સાથે થયેલ પરમાણુ સમજૂતીની પુનઃ સ્થાપના કરવા ઈચ્છે છે જે ટ્રમ્પ સરકરે ઇઝરાયેલ અને અમુક અખાતી દેશોની સંતુષ્ટિ માટે રદ્દ કરી હતી. ટ્રમ્પને એમના ચૂંટણી પ્રચાર દરમિયાન ગયા અઠવાડિયે પૂછવામાં આવ્યું હતું કે યુએઈ, બેહરીન અને સુદાન પછી અન્ય કયા આરબ દેશો છે જેઓ ઇઝરાયેલ સાથે સામાન્ય સંબંધો સ્થાપિત કરવા માંગે છે. એમણે કહ્યું કે એવા પાંચ દેશો છે. કોહેને કહ્યું કે સઉદી આરબ, ઓમાન, કતાર, મોરોક્કો અને નીજર એજન્ડા ઉપર છે. આ પાંચ દેશો છે અને જો ટ્રમ્પની નીતિ ચાલુ રહેશે તો અમે વધુ કરારો કરી શકીશું. જો કે કોઈ પણ ઉમેદવારની તરફેણ નહિ કરતા કોહેને જણાવ્યું કે ટ્રમ્પની નીતિથી આરબ અને મુસ્લિમ દેશો ઇઝરાયેલ સાથે સંબંધો વધારવા આગળ આવ્યા છે. એમણે કહ્યું કે જો આગામી રાષ્ટ્રપતિ ઈરાનનો મુદ્દો ઉકેલવા તત્પરતા નહિ દાખવે તો પછી શું થશે એ આવનાર સમય જ કહેશે, અમે કોઈ ઉતાવળ નહિ કરીશું. કોહેને કહ્યું કે “રાહતની નીતિથી શાંતિ સમજૂતી અટવાશે.” સઉદી આરબે ૧૫મી સપ્ટેમ્બરે યુએઈ અને બેહરીન દ્વારા ઇઝરાયેલ સાથે કરેલ સમજૂતી મને કમને માની લીધી છે. પણ રિયાધે એમને પોતાની મંજૂરી આપી નથી અને સંકેતો આપ્યા છે કે તેઓ સમજૂતી કરવા ઈચ્છતા નથી. ૨૦૦૨ના વર્ષમાં ઇઝરાયેલ -આરબ વચ્ચે શાંતિ સમજૂતી માટે સઉદીએ ફાર્મુલા ઘડી હતી અને કહ્યું હતું કે ઇઝરાયેલ કબજો ખાલી કરે તો જ સમજૂતી થઇ શકશે. કતારે પણ કહ્યું છે કે જ્યાં સુધી પેલેસ્ટીનને જુદા દેશનો દરજ્જો નહિ મળે ત્યાં સુધી સમજૂતી નહિ કરીશું.