વાગરા, તા.૬
સાયખા ઔદ્યોગિક વસાહતની એક કંપનીમાં અચાનક ભયંકર આગ ભભૂકી ઊઠતા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી. સદ્‌નસીબે કોઈજ જાનહાનિ નહીં થઈ હોવાની માહિતી સાંપડી છે. આગની લપેટમાં કંપનીનું એક આખું યુનિટ આવી જતાં ભારે આર્થિક નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
વાગરા તાલુકાના સાયખા કેમિકલ ઝોનમાં જય કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ કાર્યરત છે. સવારના ૯ઃ૩૦ કલાકની આસપાસ ઓઇલ લીક થયા બાદ પંપ પર પડતા કંપનીના પ્લાન્ટમાં એકાએક વિકરાળ આગ ભભૂકી ઊઠતા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી. આગ એટલી ભયાનક હતી કે, કંપનીથી દૂર આવેલ વાગરા નગર સહિત વિલાયત આસપાસના ૧૦ કિ.મી.ની ત્રિજ્યામાં આવેલ આકાશમાં ધુમાડાના ગોટેગોટા નજરે પડતા હતા તો ધડાકા થતાં આસપાસના ગામ લોકો ચિંતામાં મૂકાઈ ગયા હતા. આગ પર કાબૂ મેળવવા વિલાયત જી.આઈ.ડી.સી.માં આવેલ ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ અને જુબીલન્ટ તેમજ કલરટેક્સ કંપનીના ફાયર ફાયટરોએ સરાહનિય પ્રયાસ કર્યો હતો. દહેજ અને ભરૂચ જાણ કરાતા ૮થી ૧૦ જેટલા ફાયર ફાયટરો જય કેમિકલ કંપની પર પહોંચતા કંપની સત્તાધીશોએ રાહતનો દમ લીધો હતો. આગને પગલે આસપાસના ગામના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા. વાગરા મામલતદાર કચેરીનો સ્ટાફ ઘટનાસ્થળે બે કલાક બાદ પહોંચ્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, આગનું કવરેજ કરવા પહોંચેલ સ્થાનિક પત્રકારો સાથે કંપનીના યુનિટ હેડ રાકેશ અંગ્રેજી દ્વારા અસભ્ય વર્તન દાખવી મીડિયા કર્મીઓને કવરેજ કરવાથી અટકાવવાનો પ્રયાસ કરાયો હતો જેને પગલે સ્થાનિક પત્રકારોમાં યુનિટ હેડ વિરૂદ્ધ રોષ ફાટી નીકળ્યો હતો.