(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા.૨૭
માંગરોળ ધી સનસાઈન ઈંગ્લિશ મીડિયમ સ્કૂલનો આજે ૨૧મો વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો. જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ઈંગ્લિશ, અરબી, ઉર્દૂ અને ગુજરાતીમાં નાત, નઝમ, તકરીર નાટક, નૃત્ય વગેરે અલગ અલગ સાંસ્કૃતિક કળાઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત નાકાદાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ નૌલેજ નંદાસણના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને વૈજ્ઞાનીક ડૉ. સલમાન સુલતાને સાયન્સ અને કુર્આન વિશે ઝીણવટભરી માહિતી આપતા જણાવ્યું હતું કે, સાયન્સ અને કુર્આનનો નજીકનો સંબંધ રહ્યો છે. કુર્આનમાં દરેક જગ્યાએ કહેવામાં આવે છે કે, તમો ખુદાની બનાવેલી ચીજો પર ગોરો ફીકર (વિચાર વિમર્શ) કરો. જ્યારે સાયન્સનો મતલબ જ થાય છે વિચાર વિમર્શ (ગોરો ફીકર) કરવું. જેમ કે, ગીધ ઉડવા પહેલાં દોડે છે એવી જ રીતે પ્લેન પણ ઉડવા પહેલાં દોડે છે. સાયન્સના દરેક સંશોધનનું નૌલેજ કુર્આનમાં મૌજુદ છે. કુર્આનની પ્રથમ આયાત, ’ઈકરા’ પણ શિક્ષણનું મહત્ત્વ સમજાવે છે. સાયન્સના મોટા ભાગના શબ્દો અરબી આધારિત છે. આ પ્રોગ્રામમાં ઉપસ્થિત નાકાદાર ઇન્સ્ટિટયૂટના એડિ્‌મનિસ્ટ્રેશન મિર્ઝા અબ્દુલ બેગ પણ ડો. સલમાનની વાતને સમર્થન આપતા જણાવ્યું હતું કે, મન હોય તો માળવે જવાય. માંગરોળના ધારાસભ્ય બાબુભાઈ વાજાએ શિસ્ત અને શિક્ષણ પર જોર આપતા જણાવ્યું હતું કે, શિક્ષણ સાથે ધાર્મિક જ્ઞાન બાળકને વિનમ્ર બનાવે છે. આજે વિનય અને વિનમ્રતા ખૂબ જ જરૂરી છે. માંગરોળ મુસ્લિમ સમાજના પ્રમુખ યુસુફ પટેલે જણાવ્યું હતું કે, આજે મદ્રેસાઓમાં દીની-શિક્ષણની સાથે દૂન્યવી શિક્ષણ અપાઈ રહ્યુ છે. આજે લગભગ મદ્રેસાઓમાં ટ્રેન્ડ જોવા મળે છે તે ઘણી સારી બાબત છે. આ પ્રોગ્રામ ધી સનસાઈન ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ, ઝકરિયા પ્રાથમિક શાળા અને જામિયા કાશીફૂલ ઉલુમના ઉપક્રમે આ સંસ્થાના સરસંચાલક મુફતીદાઉદ ફકીરાની નિગરાની હેઠળ ઉજવાયો હતો. જેમાં મુખ્ય મહેમાનો ઉપરાંત પાલિકા પૂર્વ પ્રમુખ મો. હુસેનભાઈ ઝાલા, બૈતુલમાલ ફંડના પ્રમુખ હનીફ પટેલ, સેક્રેટરી અ.રજાક ગોસલિયા, ફાયબર એશોસિએશનના પ્રમુખ હારૂનભાઇ પડાયા સહિત વાલીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રોગ્રામનું સંચાલન મુફતી મતિન જૂનાગઢી, ઈકબાલ સાહેબ કોતલ અને વિજય સરઘસ મેશ્રામે કર્યું હતું.