(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૭
મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની વિદ્યાર્થી સંઘની ચુટણીને ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે આજે સાયન્સ ફેકલ્ટી ખાતે પ્રચાર દરમિયાન બે વિદ્યાર્થી જુથો બાખડી પડતા મારામારીનાં દ્રશ્યો સર્જાતા નાસભાગ મચી જવા પામી હતી. જ્યારે બીજી બાજુ એનએસયુઆઈ દ્વારા આજે વી.પી. તથા યુજીએસની બેઠક પર પોતાના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
મ.સ.યુનિવર્સીટીની વિદ્યાર્થી સંઘની ચુટણી આગામી ૫મી ઓકટોબરના રોજ યોજાનાર છે. વિદ્યાર્થી ઉમેદવારો દ્વારા ચુટણીના ઉમેદવારી પત્રો ભરી પુરજોશમાં ચુટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો હતો. આજે ચુટણી પ્રચાર દરમિયાન સાયન્સ ફેકલ્ટી ખાતે રોયલ ગ્રુપ તથા આયસા ગ્રુપનાં વિદ્યાર્થીઓ સામસામે આવી ગયા હતાં. તથા ચુટણી પ્રચાર મુદ્દે બોલાચાલી બાદ સ્થિતિ વણસી જતાં બંને જુથો વચ્ચે મારામારી શરૂ થતાં ફેકલ્ટીમાં નાસભાગ મચી જવા પામી હતી. મારામારીમાં ત્રણ વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા તમામને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતાં.
બનાવની જાણ થતાં યુનિવર્સીટી વિજિલન્સના જવાનો તથા પોલીસ પણ દોડી આવી હતી. તથા વિદ્યાર્થીઓના ટોળાને વિખેરી નાંખ્યા હતાં. જો કે હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
બીજી બાજુ એનએસયુઆઈ દ્વારા આજે વીપી તથા યુજીએસનાં પદ માટે સત્તાવાર રીતે પોતાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થી અનામત વી.પી.ની બેઠક પર કોમર્સ ફેકલ્ટીની કુમારી ભાવના મોહન તથા યુનિવર્સીટી જીએસ પદ માટે દર્શન ભાનુશાલીના નામની જાહેરાત કરાઈ હતી. જ્યારે ગત્‌ વર્ષે એનએસયુઆઈમાંથી વી.પી.પદે વિજેતા બનેલી પ્રિયંકા પટેલે એનએસયુઆઈ સાથે છેડો ફાડ્યા બાદ યુજીએસનાં પદ માટે સ્વતંત્ર રીતે ઉમેદવારી નોંધાવી છે.

એફજીએસની બેઠક પર જય સીવાણી બિનહરીફ

વડોદરા, તા.ર૭
મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની વિદ્યાર્થી સંઘની ચુટણી દરમિયાન ફેકલ્ટી ઓફ ટેકનોલોજી ખાતે એફજીએસની બેઠક પર ફેકલ્ટી સ્ટુડન્ટસ એસોસીએશન તરફથી ઉમેદવારી કરનાર વિદ્યાર્થી જય સીવાણી બિનહરીફ ચુંટાઈ આવ્યો હતો. જય સિવાણી સામે એફજીએસની બેઠક પર કોઈપણ વિદ્યાર્થીએ ઉમેદવારી નહિં નોંધાવતા તેને બીનહરીફ જાહેર કરવામાં આવ્યો હતો. જય સિવાણીની જીતના પગલે ફેકલ્ટી સ્ટુડન્ટ્‌સ એસોસીએશન દ્વારા ટેકનોલોજી ફેકલ્ટી ખાતે ફટાકડા ફોડી તથા મીઠાઈઓ વહેંચી જીતની ઉજવણી કરવામાં આવી હતી.