પ્રધાનમંત્રી યોજનાના નામે મફતમાં સિલાઈ મશીન આપવાના નામે ગઠિયો છેતરપિંડી આચરતો હતો : પાસામાં રાજકોટ જેલમાં ધકેલાયો

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૦
રાજયમાં છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન ઠગાઈના કિસ્સા વધી ગયા છે. તેવામાં રાજય સરકારે પાસાના કાયદામાં કેટલીક અન્ય બાબતોનો ઉમેરો કરીને પાસાને વધુ કડક કરવામાં આવ્યો છે. જેમાં સાયબર ક્રાઈમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે નવા પાસાના કાયદા હેઠળ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે એક છેતરપિંડીના એક આરોપીને પાસા કરી છે. પ્રધાન મંત્રી યોજનાના નામે આરોપી ઠગાઈ આચરતો હતો. સાયબર ક્રાઈમ હેઠળ પાસાનો ગુનો અમદાવાદમાં પ્રથમ અને ગુજરાતમાં બીજો નોંધાયો છે. જો કે અગાઉ સુરતમાં આવો ગુનો નોંધાયો હતો. એટલે હવે સાયબર ક્રાઈમ કરનારાની ખૈર નથી. વિગતવાર વાત કરીએ તો અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં પ્રધાનમંત્રી યોજના હેઠળ સિલાઈ મશીન મફતમાં મળતા હોવાનું કહીને લોકોને વિશ્વાસમાં લઈને છેતરપિંડી આચરતા આરોપી ધીરજ ડાયાભાઈ પ્રજાપતિ (રહે. ભરૂચ, મૂળ ગામ બોરસદ આણંદ)ને પકડી પાડયો હતો. તેની વિરૂદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશન, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુના નોંધાયા હતા. એટલે તેની વિરૂદ્ધમાં પાસા હેઠળની કાર્યવાહી પીઆઈ આર.જે. ચૌધરી દ્વારા કરવામાં આવી હતી. એટલે અમદાવાદ પોલીસ કમિશનરે આરોપી ધીરજ પ્રજાપતિ વિરૂદ્ધ પાસાના હુકમની બજવણી કરવામાં આવી છે. એટલે આરોપીને પાસાના કાયદા હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલ હેઠળ મોકલી દેવામાં આવ્યો છેે. આ અંગે સાયબર ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અમિત વસાવાએ જણાવ્યું હતું કે આરોપી સામે પાસા કરાઈ છે. સાયબર ક્રાઈમ હેઠળ પાસા કરવાનો અમદાવાદનો આ પ્રથમ ગુનો છે. આ કાર્યવાહી આગળ પણ ચાલુ જ રહેશે. અત્રે નોંધનીય છે કે સાયબર ક્રાઈમનો રેશિયો છેલ્લા કેટલાક સમયથી વધી રહ્યો છે. જેમાં પણ ઓનલાઈન ઠગાઈ કરતી ઝારખંડની જામતારા ગેંગ ગુજરાત તરફ વળી છે પરંતુ સાયબર ક્રાઈમે કડક હાથે કામ લઈને જામતારા ગેંગના કેટલાક સભ્યોને પકડી લીધા હતા. ત્યારે આગામી સમયમાં આ જામતારા જેવી ગેંગો ઉપર પાસાનો સકંજો કસાય તેવી શકયતા સેવાઈ રહી છે.