જુગાર, સાયબર ક્રાઈમ, નાણાં ધીરધાર-ગેરકાયદે વ્યાજના હપ્તા વસૂલાત-જાતીય સતામણી જેવા ગુના કરનારાને હવે થશે ‘‘પાસા’’

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૯
રાજ્યમાં હાલના સંજોગોમાં સાયબર ક્રાઈમની સાથે સાથે જાતીય સતામણીના ગુનાઓનું પ્રમાણ ઘણુ વધી ગયું છે, તેમજ નાણાંની લેતી-દેતી તથા જુગારની બદી પણ વધી જવા પામી છે અને તેમાં પણ આવા ગુનાઓમાં નાણાં વસૂલી કે જમીન વગેરે માટે શારીરિક હિંસા, મારપીટ-હત્યા તથા મહિલાઓનું જાતીય શોષણ પણ થતું હોવાના બનાવો વધી રહ્યા છે ત્યારે સરકારે આ બધા ગુનાઓ પર નિયંત્રણ લાવવા હવે પાસાના કડક કાયદાનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. જેને પગલે સરકાર હવે પાસાની જોગવાઈઓનો વ્યાપ વધારી સુધારો કરવા જઈ રહી છે તે માટે હવે વટહુકમ લાવવાની તજવીજ હાથ ધરી છે.
મુખ્યમંત્રીએ ‘પાસા’ કાયદાનો વ્યાપ વધુ વિસ્તારીને હવે સાયબર ક્રાઇમ આચરનારા, નાણાં ધીરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસુલવા સહિત શારીરિક હિંસા તેમજ ધમકી આપવી, જાતિય ગુનાઓ-જાતિય સતામણી જેવી અસાસાજીક પ્રવૃત્તિઓને પણ આવરી લઇ આવા ગૂનેગારોને કડક સજા માટે ‘પાસા’ એકટમાં સુધારાઓ કરવાનું શસ્ત્ર અપનાવવા નો અડગ નિર્ધાર કર્યો છે.
વિજય રૂપાણી પ્રવર્તમાન સાયબર ટેકનોલોજીને લગતા ગૂનાઓ સહિત જાતિય સતામણી જેવા ગૂનાઓના વધતા પ્રમાણને કડક હાથે ડામી દેવા ‘પાસા’ એકટમાં સુધારાના વટહુકમની દરખાસ્ત રાજ્ય મંત્રીમંડળની આગામી બેઠકમાં લાવવાના છે.
રાજ્યમાં ૧૯૮પથી અમલી પાસાના કાયદામાં જે જોગવાઇઓ છે તે મુજબ ૈંઁઝ્ર તથા આર્મ્સ એકટ હેઠળના ગૂનાઓ આચરનારી વ્યકિત, ભયજનક હોય તેવી વ્યકિત, ખાનગી અને સરકારી મિલ્કત પચાવી પાડે તેવા પ્રોપર્ટી ગ્રેબર વ્યકિત તેમજ કેફી દ્રવ્યોની હેરાફેરીમાં સંડોવાયેલા તેવા ડ્રગ ઓફન્ડર્સ, જુગારનો અડ્ડો ચલાવનારા, દેહવિક્રય જેવા અનૈતિક વેપાર સાથે જોડાયેલ ગૂનેગાર વ્યકિતઓ, ગૌવંશની હત્યા અને ગૌ માસની હેરાફેરી કે વેચાણ કરનારા લોકો તથા દારૂનો ગેરકાયદે ધંધો કરનારા બૂટલેગર વ્યકિતઓ વિરૂદ્ધ પાસા કાયદાની જોગવાઇનો ઉપયોગ કરી અટકાયત કરી શકાય છે..
હવે, આધુનિક બદલાતી ટેકનોલોજીમાં વિશ્વ સાથે ગૂનાખોરીની પ્રવૃત્તિઓમાં પણ ટેકનોલોજી આધારિત ગૂનાઓ-સાયબર ક્રાઇમનું પ્રમાણ વધ્યું છે તેમજ જાતિય સતામણીના ગૂનાઓ પણ વધ્યા છે ત્યારે આ ગૂનાઓ સહિતના ગૂનાઓ ડામવામાં ‘પાસા’ કાયદાની જોગવાઇઓમાં આ સુધારો અમોઘ શસ્ત્ર બનશે.
પાસાની જોગવાઇઓમાં જે સુધારાઓ થવાના છે તેમાં ટેકનોલોજીના માધ્યમ દ્વારા જે સાયબર ગુનોઓ બને છે. તે અંતર્ગત આઇ.ટી. અધિનિયમ, ૨૦૦૦ અંતર્ગત કોઇ પણ વ્યક્તિ શિક્ષાપાત્ર ગુનો કરે અથવા એવો ગુનો કરવાનો પ્રયત્ન કરે કે તેમાં મદદગારી કરે તેવી વ્યક્તિને પાસા કાયદાની જોગવાઇમાં આવરી લેવામાં આવી છે.
જુગારની પ્રવૃત્તિ સંદર્ભે પાસા એકટમાં એવી જોગવાઇ હતી કે સજા થયાના ત્રણ વર્ષમાં વ્યકિત ફરી ગૂનો આચરે તો પાસાની કાર્યવાહી કરવામાં આવતી હતી.
જુગારની પ્રવૃત્તિને કારણે કુટુંબો-પરિવારોની આર્થિક બરબાદી થતી અટકાવવા હવે આ જોગવાઇઓમાં પણ સુધારા કરવાનું નિયત કર્યું છે. આ ત્રણ વર્ષની સજાની જોગવાઇ રદ કરી હવે ગમે ત્યારે ગૂનો આચરનારા સામે પાસા લાગુ કરવામાં આવશે.
આ ઉપરાંત નવી જોગવાઇઓ ઉમેરાઇ છે તેમાં નાણા ધીરધાર સંબંધી ગુનો કરનાર તમામ લોન-વ્યાજ તથા હપ્તા વસૂૂલતા તથા તે માટે મિલકત કબજો, શારીરિક હિંસા, ધમકી સહિતની બાબતોમાં પણ સજા પાત્ર જોગવાઇમાં સમાવેશ કરાયો છે. રાજ્યમાં જાતીય ગુનાઓનું પ્રમાણ ઘટે અને મહિલાઓને વધુ સુરક્ષીત કરી શકાય તે આશયથી પાસાના કાયદામાં જે જોગવાઇઓ હતી તેને વધુ વિસ્તારવામાં આવી છે. પોક્સોના કાયદા હેઠળના શિક્ષાપાત્ર ગુનો કરે, કે એવો પ્રયાસ કરે, કે તેમાં મદદગારી કરે તેવી વ્યક્તિઓનો પણ હવે પાસા કાયદાની સજા પાત્ર વ્યકિતમાં સમાવેશ કરવામાં આવ્યો છે.