(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૧૮
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના નવા સુદામડા ગામ પાસેથી પસાર થતી સૌની યોજનાની પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણી ખેડૂતોનાં ખેતરોમાં ફરી વળ્યું હતું. હાલ રાજ્યના જળાશયોમાં તળિયા દેખાવા લાગ્યા છે. હજુ તો ઉનાળો પસાર કરવાનો બાકી છે ત્યારે તંત્રની આવી બેદરકારીને કારણે લોકોમાં તેમજ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ નવનિર્માણ કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુંદરતા માટે તેમજ નેતાઓના આગમનને ધ્યાનમાં રાખીને નર્મદા ડેમમાંથી લાખો લીટર પાણી છોડવામાં આવે છે. સાયલામાં લોકોને પીવાનું પાણી મળી રહ્યું નથી ત્યારે નર્મદા વિભાગની આવી બેદરકારી સામે આવી છે. શું તંત્ર આ સમસ્યાના નિવારણ માટે તાત્કાલિક પગલાં લેશે ? એવી લોકચર્ચા થઈ રહી છે.