વડોદરા, તા.૧૩

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ગઇ સાંજે દાખલ કરેલા દર્દીનું મોડી રાત્રે અવસાન થતાં તેના પરિવારજનોએ સયાજી હોસ્પિટલના ડોક્ટરોની નિષ્કાળજી પર આક્ષેપ કર્યા હતા અને પરિવારજનોએ દુઃખ સાથે હોબાળો મચાવ્યો હતો. વડોદરાની સયાજી હોસ્પિટલમાં અને કિસ્સામાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ખાનગી હોસ્પિટલના સંચાલકો દ્વારા છેલ્લી ઘડીએ તેઓની હોસ્પિટલના નામ ખરાબ થાય નહીં તેને ધ્યાનમાં રાખીને ગંભીર હાલતમાં મુકાયેલા દર્દીને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવે છે. તેવા સમયે પરિવારજનો હોબાળો મચાવી સત્તાવાળાઓ સાથે ઘર્ષણમાં ઉતરતા હોય છે એવો વધુ એક કિસ્સો સયાજી હોસ્પિટલમાં બન્યો છે. વડોદરાના રવિન્દ્રભાઈ ભોંસલેને કોરોનાની અસર થવાને કારણે તેમના પરિવારજનોએ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. તેઓની તબિયત થોડી વધુ બગડતાં ખાનગી હોસ્પિટલમાંથી છૂટા કરીને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું અવસાન થયું હતું.

કોરોના દર્દીનુ સયાજી હોસ્પિટલમાં ગણતરીના કલાકમાં જ સારવાર દરમિયાન મોત નીપજયું હતું. જેને કારણે પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. દરમિયાનમાં સગાસંબંધીઓએ સયાજી હોસ્પિટલના સત્તાવાળાઓ પર આક્ષેપ કર્યા હતા કે, ડોક્ટરોની નિષ્કાળજીના કારણે કોરોનાના દર્દીનું મોત થયું છે. સયાજી હોસ્પિટલના ડોક્ટરો અને દર્દીના પરિવારજનો વચ્ચે ચકમક પણ થઇ હતી. જેને ધ્યાનમાં રાખી પોલીસ બોલાવી નો વારો આવ્યો હતો આખરે પોલીસે મામલો શાંત પાડયો હતો. આ કિસ્સા અંગે સયાજી હોસ્પિટલના સત્તાવાળાઓએ સ્પષ્ટતા કરી હતી કે, ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીને સયાજી હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેઓને યોગ્ય સારવાર આપવામાં આવી હતી પરંતુ તેઓનું અવસાન થયું હતું.