(એજન્સી) નવીદિલ્હી,તા. ૧
કોંગ્રેસના અધ્યક્ષરાહુલ ગાંધીએ ગુરૂવારે રજૂ થયેલા સામાન્ય બજેટ અંગે જોરદાર પ્રહારો કરતા જણાવ્યં હતું કે, મોદી સરકારે છેલ્લા ચાર વર્ષમાં કરેલા એક પણ વાયદા પાળ્યા નથી અને હવે સારૂ છે કે, તેમની સરકારને એક જ વર્ષ બાકી છે. રાહુલ ગાંધીએ ટિ્‌વટર પર કહ્યું કે, ચાર વર્ષ વીતી ગયા હજુ પણ ખેડૂતોને ટેકાના ભાવો મળ્યા નથી. ચાર વર્ષ વીત્યા છતાં સારી યોજનાઓની જાહેરાત થઇ પરંતુ એકની પણ બજેટમાં જાહેરાત નથી થઇ. ચાર વર્ષ વીતી ગયા પરંતુ યુવાનોને હજુ પણ નોકરીઓ મળી નથી. તેમણે ટિ્‌વટના અંતમાં લખ્યંુ કે, સારૂ છે કે, હવે સરકારને એક જ વર્ષ બાકી છે. રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતાઓ દ્વારા પણ બજેટની જાહેરાત બાદ ભાજપની આગેવાનીવાળી સરકારની આકરી ટીકા કરવામાં આવી હતી.
મોદી સરકારના કાર્યકાળનું અંતિમ પૂર્ણ બજેટ સંસદમાં ગુરૂવારે નાણાપ્રધાન અરૂણ જેટલીએ રજૂ કર્યું હતું. આ બજેટમાં સરકાર તરફથી ઘણી જાહેરાતો કરવામાં આવી હતી. બીજી તરફ પ્રતિક્રિયા આપતા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યંુ કે, આ બજેટમાં તેમની ચિંતા બજેટની ખાધ અંગે છે. સરકાર તેને પુરો કઇ રીતે કરશે તેની જ ચિંતા છે. સરકારે એમએસપી ૫૦ ટકાથી વધુની જાહેરાત કરી છે. તેની બજેટની જોગવાઇ કઇ રીતે થશે તે ચિંતાનો વિષય છે. મનમોહને એમ પણ કહ્યું કે, આ બજેટને રાજકીય અથવા ચૂંટણીલક્ષી બજેટ ના કહી શકાય. મારી ચિંતા આર્થિક સ્થિતિને મજબૂત કરવા અંગે છે. રિફોર્મ બજેટ અંગે તેમણે કહ્યું કે, આ શબ્દનો ખોટો ઉપયોગ ઘણીવાર થઇ ચૂક્યો છે. મનમોહનસિંહે લાંબા ગાળામાં આવકની યોજનાઓને કરના માળખામાં લાવવા મુદ્દે વધુ કાંઇ કહ્યું નહોતું.