અમદાવાદ, તા.૭
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દરરોજ નોંધાતા નવા કેસોનો આંકડો ૧૪૦૦થી ઘટીને ૯૦૦થી પણ ઓછો થઈ ગયો હતો. પરંતુ અચાનક છેલ્લા બે દિવસથી આ આંકડો હવે એક હજારને પાર જઈ રહ્યો છે એટલે કે એકાએક કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. એટલે તહેવારો ટાણે પણ સાવચેત રહેવું જોઈએ નહીંતર દિવાળી બાદ કોરોનાનો બોમ્બ ફૂટે તો નવાઈ નહીં.
વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં ગત કેટલાક દિવસથી કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ છેલ્લા ત્રણ દિવસોથી કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. થોડા દિવસો પહેલા તો રાજ્યમાં ૯૦૦થી પણ ઓછા કેસ આવી રહ્યા હતા. ત્યાં જ હવે છેલ્લા ચાર દિવસથી કોરોના વાયરસનો કહેર વધી ગયો હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે ૧૦૪૬ પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૧,૭૯,૬૭૯એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ ૫ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૩૭૫૬એ પહોંચ્યો છે. જ્યારે ૯૩૧ લોકોએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૧.૧૫ ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં ૫૧,૭૬૧ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન ૧૬૧, સુરત કોર્પોરેશન ૧૫૭, વડોદરા કોર્પોરેશન ૮૨, રાજકોટ કોર્પોરેશન ૭૫, મહેસાણા ૫૭, રાજકોટ ૩૮, વડોદરા ૩૮, પાટણ ૩૬, સુરત ૩૫, બનાસકાંઠા ૨૪, નર્મદા ૨૪, ગાંધીનગર કોર્પોરેશન ૨૨, અમદાવાદ ૨૧, ભરૂચ ૨૦, જામનગર કોર્પોરેશન ૨૦, કચ્છ ૨૦, સુરેન્દ્રનગર ૨૦, ગાંધીનગર ૧૭, સાબરકાંઠા ૧૬, દાહોદ ૧૫, મોરબી ૧૫, અમરેલી ૧૪, જૂનાગઢ ૧૨, ખેડા ૧૨, પંચમહાલ ૧૧, ગીર-સોમનાથ ૧૦, જામનગર ૧૦, આણંદ ૯, ભાવનગર કોર્પોરેશન ૯, અરવલ્લી ૮, જૂનાગઢ કોર્પોરેશન ૮, તાપી ૬, દેવભૂમિ દ્વારકા ૫, મહીસાગર ૫, છોટા ઉદેપુર ૪, પોરબંદર ૪, નવસારી ૩, ભાવનગર ૨, વલસાડ ૧ કેસ સામે આવ્યા છે. જો કે, મોતની વાત કરીએ તો ૨૪ કલાકમાં ગુજરાતમાં મોતનો આંકડો વધ્યો છે. ગઇ કાલે ૪ દર્દીના મોત નિપજ્યા હતા ત્યારે આજે રાજ્યમાં ૫ દર્દીના મોત નિપજ્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશન ૨, બનાસકાંઠા ૧, સુરત કોર્પોરેશન ૧, વડોદરા ૧ વ્યક્તિએ દમ તોડ્યો હતો. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૩૭૫૬એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧,૬૩,૭૭૭ નાગરિકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ ૧૨,૧૪૬ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૭૧ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૨,૦૭૫ સ્ટેબલ છે.