અમદાવાદ, તા.૧૫
રાજ્યમાં કોરોના મહામારી મહાસંકટ બની આવી છે. બીજી તરફ ઉનાળો પણ વધુ આકરો બની રહ્યો છે. ત્રણ-ચાર દિવસ બાદ ફરી એકવાર રાજ્યમાં અનેક સ્થળોએ ગરમીનો પારો ઉપર ગયો હતો. ૧૦થી વધુ સ્થળોએ તાપમાન ૪૦ ડિગ્રીથી વધુ જોવા મળ્યું હતું. એકતરફ હવામાન વિભાગે ૨૧ જૂનની આસપાસ રાજ્યમાં ચોમાસાના આરંભની આગાહી કરી છે તો બીજીતરફ ગરમી પણ વધવાની આગાહી કરી છે. આગામી દિવસોમાં અમદાવાદમાં ઓરેન્જ એલર્ટની શક્યતા છે. જ્યારે આવનાર દિવસોમાં પારો ૪૫ ડિગ્રીની નજીક પહોંચવાની શક્યતા છે. રાજ્યમાં કોરોનાના કારણે લોકડાઉનની સ્થિતિ છે. ત્યારે ગરમીએ ઘરમાં રહેલા લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. અમદાવાદ શહેરમાં ગરમીને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. શહેરમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રીએ પહોંચશે તેવી શક્યતા છે. જ્યારે રાજ્યમાં મોટાભાગના સ્થળોએ ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર જોવા મળશે એટલે કે રાજ્યમાં અનેક શહેરોમાં લોકોને ગરમીનો સામનો કરવો પડશે. વાત કરીએ તાપમાનની તો અમદાવાદમા સૌથી વધુ ૪ર.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે ગાંધીનગર અને ડીસામાં મહત્તમ તાપમાન ૪ર.૦ ડિગ્રી, વડોદરા અને સુરેન્દ્રનગરમાં ૪૧.૮, અમરેલીમાં ૪૧, રાજકોટ અને ભૂજમાં ૪૦.૬, આણંદમાં ૪૦.પ અને ભાવનગરમાં મહત્તમ તાપમાન ૪૦.૩ ડિગ્રી નોંધાયું હતું. આમ ગઈકાલની તુલનામાં ગરમીમાં વધારો જોવા મળ્યો હતો. આ બધાની વચ્ચે રાજ્યમાં ૧૭ અને ૧૮મી મેના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દ.ગુજરાતમાં તાપી, વલસાડ, નર્મદા જિલ્લામાં જ્યારે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી, જામનગર અને ભાવનગરમાં કમોસમી વરસાદની સંભાવના છે. કાળઝાળ ગરમી બાદ આ વર્ષે ચોમાસામાં સારા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ક્યાં કેટલું તાપમાન
સ્થળ મહત્તમ તાપમાન
અમદાવાદ ૪૨.૧
ગાંધીનગર ૪૨.૦
ડીસા ૪૨.૦
વડોદરા ૪૧.૮
સુરેન્દ્રનગર ૪૧.૮
અમરેલી ૪૧.૦
રાજકોટ ૪૦.૬
ભૂજ ૪૦.૬
આણંદ ૪૦.૫
ભાવનગર ૪૦.૩