અમદાવાદ, તા.૩૦
રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે આકરા ઉનાળાએ પોતાનો જોરદાર મિઝાજ બતાવતા અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં એન્ટી સાયકલોનિક સરક્યુલેશન સક્રિય થવાના લીધે ગરમ પવનો સીધા જ જમીન તરફ ફૂંકાઈ રહ્યા છે. જેને પરિણામે જોરદાર ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી દિવસ અમદાવાદમાં રેડ એલર્ટની સ્થિતિ રહેશે. તાપમાન ૪પ ડિગ્રીની નજીક રહેશે. તાપમાન ૪પ ડિગ્રીની નજીક રહેવાની શક્યતાને જોતાં લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. આગામી બે દિવસ રેડ એલર્ટ બાદ ઓરેન્જ એલર્ટની સ્થિતિ જોવા મળશે ત્યારે તાપમાન ૪૩થી ૪૪.૯ ડિગ્રીની વચ્ચે રહે તેવી શક્યતા છે. અમદાવાદની સાથે સાથે રાજ્યમાં પણ અનેક સ્થળોએ ભીષણ ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સામાન્ય રીતે ઉનાળામાં મે મહિનાના પ્રથમ સપ્તાહ બાદ ભીષણ ગરમી જોવા મળે છે. જ્યારે આ વખતે એપ્રિલના અંતથી જ જોરદાર ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. વળી હવામાન વિભાગે પણ આ વર્ષે ગરમી વધુ રહેવાની આગાહી કરી દીધી છે. જો કે, લોકડાઉનને કારણે રોડ-રસ્તાઓ તો સૂમસામ ભાસે જ છે ત્યારે ગરમી સાચા અર્થમાં લોકડાઉન કરાવી દીધું છે. કાળઝાળ ગરમીના કારણે બપોરના સમયે એકલ-દોકલ વ્યક્તિ સિવાય કોઈ બહાર જોવા મળતું નથી. ગત રોજ પણ ૪૩.૮ ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ સિઝનનું સૌથી ગરમ શહેર બન્યું હતું. આવી ગરમીમાં લૂ લાગવાથી બચવા માટે અને સ્વસ્થ રહેવા માટે લીબું સરબત, વરિયાળીનું સરબત, છાશ તેમજ પાણી પુષ્કળ પ્રમાણમાં પીવું હિતાવહ રહેશે તેવું નિષ્ણાંતો જણાવી રહ્યા છે. જ્યારે બીજી તરફ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બીજા દિવસે પણ વરસાદ વરસ્યો છે. જામનગર, રાજકોટ, અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. વરસાદથી યાર્ડમાં રાખેલ મગફળી, ધાણા, ડુંગળી, મરચાંનો જથ્થો પલળ્યો છે. જ્યારે ઉનાળું પાક પર પણ તેની અસર જોવા મળી રહી છે. આ વરસાદથી કેરીના પાકને પણ મોટું નુકસાન થયું છે. જ્યારે ગરમી વધતા સાયકલોનિક સરક્યુલેશનની કેટલાક સ્થળોએ વરસાદી ઝાપટાં થવાની આગાહી કરવામાં આવી છે. વાત કરીએ તાપમાનની તો ગાંધીનગરમાં સૌથી વધુ ૪૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે સુરેન્દ્રનગરમાં ૪૩.૮ તો અમદાવાદ અને ડીસામાં ૪૩.૬, અમરેલીમાં ૪૩.પ અને વડોદરામાં ૪૩.૩ ડિગ્રી જેટલું ઊંચું મહત્તમ તાપમાન નોંધાયું છે. તાપમાનનો વધતો જતો પારો જ દર્શાવે છે કે, આગામી દિવસોમાં ઉનાળો પોતાનો આકરો મિજાજ બતાવશે ત્યારે આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી ગરમીનો અનુભવ થશે.
ક્યાં કેટલું તાપમાન
સ્થળ મહત્તમ તાપમાન
ગાંધીનગર ૪૪.૦
સુરેન્દ્રનગર ૪૩.૮
અમદાવાદ ૪૩.૬
ડીસા ૪૩.૬
અમરેલી ૪૩.પ
વડોદરા ૪૩.૩
રાજકોટ ૪ર.૩
ભૂજ ૪ર.૦
કંડલા ૪૧.૬
ભાવનગર ૪૧.૬
Recent Comments