સાવરકુંડલા, તા. ૨૧
કહેવત છે કે મન હોય તો માળવે જવાય પણ આ કહેવતને સાચી ઠેરવવા માટે અમરેલી જીલ્લાના સાવરકુંડલાના ૭૮ વર્ષીય વૃદ્ધે ઈતિહાસ રચીને ભારતભરમાં નામ રોશન કર્યું છે. દિલ્હી ખાતે ઇન્ડો-બાંગ્લાદેશ માસ્ટર એથ્લેટીક્સ મીટ સ્પર્ધામાં ૨૨ રાજ્યોના ૩ હજાર સ્પર્ધકોને પછાડીને સાવરકુંડલાના વયોવૃદ્ધે ૧૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે.
તૂટલી ફૂટલી સાયકલ પર સવાર આ વયોવૃદ્ધ છે અમરેલી જીલ્લાના સાવરકુંડલાના વતની એસ.ટી.નિગમમાં કંડકટર તરીકે નિવૃત થયેલા કાસમભાઈ કુરેશી નાનપણથી દોડવીર તરીકે આખા સાવરકુંડલામાં પ્રખ્યાત છે ફોર વ્હીલ ઝીપની સાથે દોડતા આ દોડવીર કાસમભાઈનું ઉપનામ જ ઝીપ તરીકે પ્રખ્યાત છે. હજુ બે-ચાર દિવસ પહેલા દિલ્હી ખાતે યોજાયેલી ઇન્ડો-બાંગ્લાદેશ માસ્ટર એથ્લેટીક્સ મીટની ચાર દિવસની સ્પર્ધામાં ગુજરાત તરફથી ૧૦૦ મીટર દોડમાં ૩ હજાર ઉપરાંતના સ્પર્ધકોને પછડાટ આપીને ભારત દેશનું ગૌરવ બનીને ગોલ્ડ મેડલ હાસિલ કર્યો છે સાથે લાંબી કુદમાં સેકન્ડ નંબર પર આવીને અમરેલી જીલ્લાનો ઈતિહાસ ભારતભરમાં રચી દીધો હતો.
૭૮ વર્ષની ઉમરે ગોલ્ડ મેડલ મેળવીને ગુજરાતનું નામ સુવર્ણ અક્ષરે દિલ્હીમાં અંકિત કરી દીધું હતું.
૧૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ અને લાંબી કુદમાં સિલ્વર મેડલ મેળવીને હવે એશિયાના દેશો વચ્ચે રમાતી એથ્લેટીક્સ સ્પર્ધામાં ભાગ લેવા સાવરકુંડલામાં કોચિંગ મેળવીને ભારત દેશનો ડંકો એશિયા ખંડમાં વગાડવા ૭૮ વર્ષીય કાસમભાઈ જીપ કમર કસી રહ્યા છે જયારે સ્પેશ્યલ ટ્રેઈનર દ્વારા પ્રેક્ટીસ મેળવી રહ્યા છે.
કરમની કઠણાઈ છે કે એકપણ સુવિધાઓ ન હોવા છતાં આત્મબળ દ્વારા ગોલ્ડ મેડલની સિદ્ધિ મેળવનારા નેશનલ વિજેતા બન્યા ત્યાં સુધી પોતાની શેરી ગલીમાં પ્રેક્ટીસ કરીને આ સિદ્ધિ હાંસિલ કરી છે અત્યારે ૭૮ વર્ષે પણ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ આ વયોવૃદ્ધ ધરાવે છે પણ સરકાર સુવિધાઓ પૂરી પાડવામાં વામણી પુરવાર થઇ છે તેવું ખુદ નેશનલ ચેમ્પિયન જણાવે છે.
સરકાર દ્વારા ખેલ મહાકુંભ યોજીને સિધ્ધિઓ હાંસિલ કરવાની માત્ર વાતો કરે છે ત્યારે જો આવા ચીથરે વિટાયેલા રત્નો સામે સરકાર લાગણીશીલ બનશે તો ગ્રામ્ય વિસ્તારોમાંથી દેશ લેવલે ચમકતા રમતવીરોને પ્રોત્સાહન મળશે તો દેશની સિદ્ધિ દુનિયામાં ચમકશે.