અમરેલી, તા.૧પ
સાવરકુંડલાના સોનીની દુકાનમાંથી ૪૪ કિલો ચાંદીના ઘરેણાની ચોરી તેમજ બે મોટરસાયકલ ચોરી કરનાર ગેંગ મધ્યપ્રદેશમાંથી ઝડપાઇ અમરેલી પોલીસે કબ્જો મેળવી સાવરકુંડલા ચોરીમાં કુલ ૫ ને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે,પકડાયેલ ગેંગ ધાડ તેમજ લૂંટ કરવાના ઇરાદે મધ્યપ્રદેશમાં અંજામ આપવાની હતી પકડાયેલ ગેંગ પાસેથી ફાયર થાય તેવા હથિયારો પણ મળી આવતા પોલીસે આર્મ્સ એક્ટનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સાવરકુંડલામાં ભરત જ્વેલર્સ નામની દુકાનમાં ગત તા.૮/૧ ના રોજ દુકાનના તાળા તોડી અંદર પ્રવેશ કરી ૪૪ કિલો ચાંદીના ઘરેણાં કિંમત રૂા.૯.૬૧ લાખના કોઈ ચોરી કરી ગયું હતું અને બે બાઈક પણ સાવરકુંડલાથી ચોરાયેલ હતા જે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન મધ્યપ્રદેશમાંથી પોલીસે લૂંટ ધાડ પાડવાના ઇરાદે ગેંગના ૫ સભ્યોને ભયજનક હથિયારો ફાયર આર્મ્સ સાથે ઝડપી લીધા હતા. જેમાં પકડાયેલ પાંચ આરોપીઓ (૧) ધર્મેન્દ્ર ઉર્ફે ભાયા પિતા વીરૂ ઉર્ફે હુસેન મછાર (ભીલ), (૨) રાજુ ઉર્ફે રાજયા પિતા રાયસેન સીંગાડ (ભીલ), (૩) સંજયા ઉર્ફે સંજય પિતા ભંગડા ડાવર (ભીલ), (૪) ઠાકુર પિતા મગનસિંહ ડાવર, (૫) ખીમન પિતા ટુસુ મછાર રહે.બધા ખરબયડી થાણા ગંધવાણી જિ.ધાર (એમ.પી.) વાળાને ઝડપી લીધેલ હતા. પોલીસ પૂછપરછમાં પકડાયેલ પાંચેય આરોપીઓએ સાવરકુંડલા ભરત જ્વેલર્સમાંથી ૪૪ કિલો ચાંદીના ઘરેણાંની ચોરી કરી હોવાની તેમજ બે બાઈક ચોરી કરી હોવાનું ખુલ્યું હતું. પકડાયેલ આરોપીઓ ગુજરાત અને મધ્યપ્રેદશના ગામોમાં ચોરી કરતા હોવાનું ખુલ્યું છે. પોલીસે પાંચેય આરોપીઓને પકડી મુદામાલ કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરી છે.