અમરેલી, તા.૭
સાવરકુંડલાના વીજપડી ચેકપોસ્ટ ઉપર મહુવા તાલુકાના બોરડી ગામની મહિલાએ પોતે મહિલા પીએસઆઇ હોવાની ઓળખ આપી ચેક પોસ્ટ ઉપરથી જિલ્લાની બોર્ડર ક્રોસ કરવા જતા પોલીસના હાથે આ નકલી પીએસઆઇ બનીને ફરતી મહિલા ઝડપાઇ હતી, આ મહિલા જુદી જુદી જગ્યાએ પોતે માનવ અધિકારમાં અધિકારી અને સોશિયલ મીડિયામાં રિપોર્ટર હોવાની ઓળખ આપી મોભો પાડતી હતી પરંતુ અમરેલીની પોલીસના હાથે ઝડપાઇ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકના વીજપડી ચેક પોસ્ટ ઉપર આજે બપોરે એક મહિલાએ પોતે સાવરકુંડલાના મહિલા પીએસઆઇ ડોડીયા મેડમ હોવાનું કહી ચેકપોસ્ટ ઉપરથી પસાર થવા ચેકપોસ્ટ ઉપરના પોલીસ કર્મી સાથે માથાકૂટ કરી હતી પરંતુ સાવરકુંડલા વીજપડી ચેકપોસ્ટ પરના પોલીસ કર્મી ઓ ડોડીયા મેડમને ઓળખતા હોઈ જેથી આ મહિલાની પૂછપરછ કરતા તેણે પોલીસ સામે તેનું નામ વિલાશબેન નાથાભાઈ બલદાણીયા આપ્યું હતું. આ મહિલા મહુવા તાલુકના બોરડી ગામની હોવાનું જણાવ્યું હતું,પોલીસે આ મહિલાને વધુ પૂછપરછ માટે સાવરકુંડલા રૂરલ પોલીસે લઇ આવતા આ મહિલા તેણે અગાઉ જુદી જુદી જગ્યાએ મહિલા પીએસઆઇ હોવાની ઓળખ આપી હતી અને પોતે માનવ અધિકારમાં અધિકારી હોવાનું અને સોશિયલ મીડિયામાં રિપોર્ટર હોવાનું પણ ખોટી ઓળખ આપી હોવાનું ખુલ્યું હતું સાવરકુંડલા રૂરલ પોલીસમાં આ મહિલા સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.