કલાર્ક કિશોર શેખવાની  ૪૯.૭૩ ટકા, સેનેટરી ઈન્સ્પેક્ટરની  ૬૧.૮૩ ટકા તથા શિક્ષકની ૬૦ ટકાથી વધુ બેનામી સંપત્તિ મળી આવતા ACB સકંજામાં

અમરેલી, તા.ર

સાવરકુંડલા નગરપાલિકાના બે કર્મચારીઓ તેમજ રાજુલાના એક શિક્ષક સહિત ત્રણ સામે લાખોની બેનામી મિલકત તેમજ સંપત્તિ મળી આવતા એસીબી દ્વારા કુલ આવક કરતાં વધુ આવક મળી આવતા ત્રણેય સામે એસીબી અમરેલીમાં ગુનો નોંધાતા ખળભળાટ મચેલ છે.

આ અંગે એસીબી પાસેથી મળતી વિગતો અનુસાર સાવરકુંડલા ખાતે નગરપાલિકામાં કલાર્ક તરીકે નોકરી કરતાં કિશોર વલ્કુભાઈ શેખવા વર્ગ-૩ તેમજ સેનેટરી ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા રોહિત જીવકુભાઈ શેખવા (ઉ.વ.૫૦) પાસે બેનામી સંપત્તિ તેમજ લાખોની આવકથી વધુ મિલકત હોવાની ફરિયાદ મળતા જૂનાગઢ મદદનીશ નિયામક એસીબી કચેરીના બી.એલ.દેસાઈ તેમજ અમરેલી એ.સી.બી. દ્વારા તપાસ હાથ ધરાઈ હતી જેમાં અમરેલી એસ.પી.નિર્લિપ્ત રાય દ્વારા ઉપરોક્ત આરોપીઓ સામે કરોડો રૂપિયાની જમીનો મિલ્કતો અને સાધનો પોતાની તેમજ પોતાના પરિવારજનોના નામે ખરીદ કરેલ હોવાના સાધનિક પુરાવાઓ બેન્ક સ્ટેટમેન્ટ તેમજ વિવિધ કચેરીમાંથી માહિતી મેળવી દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરેલ હતા જેમાં કિશોર વલ્કુભાઈ શેખવાની કુલ આવક ૨,૬૮,૩૭,૧૯૮ સામે ૪,૦૧,૮૩,૦૪૬ અપ્રમાણસર મિલકત મળી આવતા આવક કરતા ૧,૩૩,૪૫,૮૪૭ જેટલી બેનામી મિલકત મળી આવી હતી આવક કરતાં ૪૯.૭૩ ટકા મિલકત વધુ મળી આવી હતી. જ્યારે સેનેટરી ઈન્સ્પેક્ટર રોહિત શેખવાની કાયદેસરની કુલ આવક ૨,૯૯,૮૪,૦૭૦ સામે કુલ ખર્ચ રોકાણ સહિત ૪,૮૫,૨૪,૪૫૪ મળી આવતા ૧,૮૫,૪૦,૩૮૪ જેટલી બેનામી સંપત્તિ મળી આવેલ હતી. જે પોતાની સંપત્તિ કરતા ૬૧.૮૩ ટકા વધુ બેનામી મિલકત મળી આવેલ હતી. જ્યારે રાજુલાના બાલાની વાવ ખાતે રહેતા અને શિક્ષક તરીકે નોકરી કરતા હાલ મોકૂફ કરેલ હોઈ અને હાલ જેલમાં હોઈ તે ભાભલુ નાગભાઈ વરૂ શિક્ષક તરીકે પોતાની કુલ કાયદેસરની આવક ૮૯,૩૪,૧૦૧ સામે ૨,૧૫,૯૬,૩૮૪ જેટલી ખર્ચ અને રોકાણ કરેલ મિલકત મળી આવતા તેઓ સામે પણ ૧,૨૬,૬૨,૨૨૩ જેટલી બેનામી સંપત્તિ પોતાના તેમજ પરિવારના નામે મળી આવેલ હોવાનું જૂનાગઢ મદદનીશ નિયામક એસીબી એકમ જૂનાગઢ તેમજ અમરેલી એસીબી દ્વારા સામે આવેલ હતું. જે અંગે અમરેલી એસીબી કચેરીમાં ઉપરોક્ત ત્રણેય આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ તેમજ (સુધારા ૨૦૧૮)ની કલમ ૧૩(૧) ૧૩(૨૦) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કલાર્ક કિશોરનો ભાઈ માથાભારે છે

કુખ્યાત રાજુ શેખવા સામે બેનામી સંપત્તિ અંગે એસીબી દ્વારા કેસ કરાયો છે

સાવરકુંડલા નગરપાલિકના કલાર્ક કિશોર શેખવા અમરેલીના ક્રુખ્યાત રાજુ શેખવાનો ભાઈ હોઈ અને રાજુ શેખવા સામે પણ બેનામી સંપત્તિ અંગે અમરેલી એસીબી દ્વારા થોડા સમય પહેલાં કેસ કરવામાં આવેલ હતો. રાજુ શેખવા અમરેલી સહિત રાજ્યભરમાં ધાકધમકી દ્વારા પોતાના ટ્રાન્સ્પોટેશન તેમજ કોન્ટ્રાક્ટના વ્યવસાય કરતો હોઈ તેની સામે અગાઉ ખૂન ધાકધમકી સહિતના ગુના નોંધાયેલ છે.

વ્યાજના ધંધા સાથે સંકળાયેલ

શિક્ષક ભાભલુ સામે એક શખ્સને આત્મહત્યા કરવા મજબૂર કર્યાની ફરિયાદ

રાજુલાના શિક્ષક ભાભલુ નાગભાઈ વરૂ સામે વ્યાજના કારણે કડક ઉઘરાણી કરી ધાકધમકી આપવા અંગે એક શખ્સને આત્મહત્યા કરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાઈ હોઈ જે કેસમાં ભાભલુ વરૂ જેલમાં હોઈ, ભાભલુ સામે અમરેલી જિલ્લામાં વ્યાજના ધંધા દ્વારા ધાકધમકી આપી વ્યાજે પૈસા આપી ઉઘરાણી કરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે.