વડોદરા,તા.૮
વડોદરા શહેરમાં કોરોના વાયરસના આજે વધુ ર૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેર જિલ્લામાં અત્યારસુધી કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા પ૦૦ ઉપર પહોંચી ગઈ છે. આજે વધુ પ લોકો કોરોના મુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ અત્યારસુધી કુલ ૧૯૮ લોકો કોરોના મુક્ત થયા છે.
વડોદરા જિલ્લાના સાવલીમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. સાવલીના માતા ભાગોળ વિસ્તારમાં ૩૭ વર્ષના યુવાન રાજેશ મંગળભાઈ પરમારનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવાન સાવલી શાકમાર્કેટ વિસ્તારમાંથી સંક્રમિત થયો હોવાનો ખુલાસો થયો છે. ગુરૂવારે સાવલી જન્મોત્રી હોસ્પિટલ ખાતે યુવાનનું સેમ્પલ લેવામાં આવ્યું હતું અને આજે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે સાવલી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના કુલ પોઝિટિવ દર્દીઓનો આંક પ૦૦ દર્દીઓ પર પહોંચી ગયો છે અને મૃત્યુઆંકનો ૩ર ઉપર પહોંચ્યો છે.