(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૧
સાવલી તાલુકાના મંજૂસર જીઆઇડીસીમાં આવેલી બેવરેજીસ લિમિટેડ કંપની સાથે રૂા.૧૦૦ કરોડની લોન અપાવવાનું જણાવી છેતરપિંડી કરનાર ભેજાબાજની વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
મંજૂસર જીઆઇડીસીમાં આવેલ મનપસંદ બેવરેજીસ કંપની આર્થિક ભીસમાં હતી. ત્યારે ભેજાબાજ પવન રાઠી અને તેના સાગરિતોએ કંપનીના માલિકોને ફાઇન્સિયલ સોલ્યુશન પ્રા.લી.માંથી રૂા.૧૦૦ કરોડની બેંકમાંથી લોન અપાવવાનું જણાવી તબક્કાવાર તેઓ પાસે નાણાં પડાવીને છેતરપિંડી કરી હતી. દરમિયાન લોન અપાવવાનાં નામે છેતરપિંડી કરનાર પવન રાઠી ૭ સાગરિતો સામે ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. ચાર માસ પૂર્વે ફરિયાદ નોંધાયા બાદ ભેજાબાજ પવન રાઠી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. વડોદરા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તેની ધરપકડ કરવા માટે તેના ઘરે તેમજ અન્ય આશ્રય સ્થાનો પર તપાસ કરી હતી. પરંતુ તે મળી આવ્યો ન હતો. દરમિયાન જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે તેના નિવાસસ્થાને પહોંચી ધરપકડ કરી પોલીસને હવાલે કરી દીધો હતો. ભાદરવા પોલીસે ભેજાબાજ છેતરપિંડી અંગેની વિગતો મેળવવા માટે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.