પાલનપુર, તા.૯
આજના આધુનિક જમાનામાં પણ દીકરાને જન્મ નહીં આપી શકનારી સ્ત્રીઓને સાસરિયાઓનો ત્રાસ સહન કરવાનો વારો આવે છે. તેવી જ વધુ એક ઘટના પાલનપુરમાં પ્રકાશમાં આવી છે.ઉપરોક્ત ચકચારી કેસની વિગતમાં પોલીસ ફરિયાદ અનુસાર અમદાવાદના નવા નિકોલ ન્યુ ઈન્ડિયા કોલોની દેવકૃપામાં રહેતા પ્રવિણ ચંદુલાલ રાવલે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે, જીજ્ઞાશાબેનના લગ્ન થયા બાદ તેણીને છોકરીનો જન્મ થયો હતો અને છોકરીના જન્મ બાદ પુત્ર ન અવતરતા સાસરિયાઓ દ્વારા છોકરો કેમ અવતરતો નથી તેમ કહી અવાર-નવાર મહેણા-ટોણા મારી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી ટોર્ચર કરવામાં આવતી હોવાની અને શારીરિક તથા માનસિક ત્રાસ આપી મરવા માટે મજબૂર કરવામાં આવતા તેણીએ તા.૮મેના રોજ ત્રાસ સહન ન થતા બપોરના દોઢેક વાગ્યાના સુમારે ગળે ફાંસો ખાઈ અસહ્ય ત્રાસના કારણે આત્મહત્યા કરી લીધી હોવાની ફરિયાદ પ્રવિણભાઈએ નોંધાવી છે. તેમાં પોલીસે પ્રવિણભાઈ રાવલની ઉપરોક્ત મુજબની ફરિયાદ આધારે પાલનપુરના હિમાલયા ભાગ-ર હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા હર્ષાબેન રાજેન્દ્રભાઈ જાષી, વિરલ રાજેન્દ્રભાઈ જાષી, અર્પિતાબેન રાજેન્દ્રભાઈ જાષી સામે ફરિયાદ નોંધી વધુ તપાસ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકના પી.આઈ. આર.કે.સોલંકી દ્વારા હાથ ધરવામાં આવી છે.