(સંવાદદાતા દ્વારા)
મોડાસા, તા.૧૪
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સાલમબાપુના પહાડિયા (તલાવડી) ગામની ૩૧ વર્ષીય પરિણીત મહિલાએ લફરાબાજ અને રખડતા પતિને સાસુ-સસરા પણ છાવરતા હોવાની સાથે ઉપરાણું લઇ માનસિક અને શારીરિક ત્રાસ આપતાં અસહ્ય બનેલા ત્રાસ થી કંટાળી વાત્રક ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી હતી. મોડાસા તાલુકાના મુલોજ (નાદરી) ગામની ઉષાબેન ડામોરના લગ્ન માલપુર તાલુકાના સાલમબાપુના પહાડિયા (તલાવડી) ગામના કનુભાઈ સોમાભાઈ બારિયા સાથે થયા હતા. લગ્નના થોડા સમય પછી કનુભાઈને કોઈ છોકરી સાથે આડા સંબંધ બંધાતા ઉષાબેન સાથે મારઝૂડ કરતો હતો અને રખડી ખાતો હોવાથી અને કનુભાઈનું ઉપરાણું લઈ તેમના સાસુ-સસરા પણ મારઝૂડ કરતા હોવાની સાથે શારીરિક અને માનસિક ત્રાસ આપી વારંવાર તારે ઘરમાં રહેવાનો અધિકાર નથી ગમે ત્યાં જઈ મરી જવાનું કહેતા અસહ્ય બનેલા ત્રાસથી કંટાળી મહિલાએ નજીકમાં આવેલા વાત્રક ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી હતી. પોલીસે તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતક મહિલાની લાશને પીએમ માટે ખસેડી હતી. માલપુર પોલીસે ભાથીભાઈ સરદારભાઈ ડામોર (રહે.મુલોજ)ની ફરિયાદના આધારે સસરા અને સાસુ વિરૂદ્ધ ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.