(એજન્સી) સિંગાપુર, તા.૩
સિંગાપુરમાં કોરોના વાયરસના વધતા મામલાઓને રોકવા ત્યાંની સરકારે દેશને એક મહિના સુધી સંપૂર્ણ રીતે બંધ કરવાની ઘોષણા કરી છે. સિંગાપુર વડાપ્રધાન લી સિયેન લૂંગે કોરોના વાયરસથી લડવા માટે એક મહિના દેશબંધીનું એલાન કર્યુ છે. સિંગાપુરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને ૧૧૧૪ થઈ ગઈ છે. જ્યારે પાંચ લોકોના મોત થયા છે. આની પહેલા સિંગાપુરના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે, દેશમાં સંક્રમિતોની સંખ્યા આશરે ૯૦૦ છે. મંત્રાલયે જણાવ્યું કે, નવા કેસોમાં ર૪ લોકો વિદેશથી સંક્રમિત થઈને આવ્યા આ લોકો યુરોપ, ઉત્તરી અમેરિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ-પૂર્વ એશિયા રાષ્ટ્ર સંગઠન અને એશિયાના અન્ય ભાગોની યાત્રા કરી પાછા ફર્યા હતા. સમાચાર એજન્સી મુજબ સિંગાપુરના વડાપ્રધાન લી સિયેન લૂંગે એક મહિનાના બંધની ઘોષણા કરી છે. જો કે, આ દેશબંધી સાત એપ્રિલના રોજ શરૂ થવાની છે. પીએમ તરફથી કહેવામાં આવ્યું છે કે, આવશ્યક સેવાઓ અને પ્રમુખ આર્થિક ક્ષેત્રોને છોડીને મોટાભાગના કાર્યસ્થળોએ બંધ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, તોફાન શમ્યું નથી ખતરો હજીપણ મંડરાઈ રહ્યો છે અને આપણે ખૂબ જ સતર્ક રહેવું પડશે. કારણ કે, સિંગાપુરમાં વાયરસ સંક્રમણના મામલાઓ હજીપણ આવી રહ્યા છે.