(એજન્સી) તા.૭
સિંગાપોરના વડા પ્રધાન લી સિયન લૂંગ આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચાસ્પદ બન્યાં છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. આ વીડિયોમાં તેમણે સફેદ રંગની પાઘડી પહેરેલી નજરે પડે છે. વાસ્તવમાં આ વીડિયો સિંગાપોરમાં સીલાત રોડ પર સ્થિત એક ગુરુદ્વારાનું ઉદ્‌ઘાટન કરવા તેઓ શીખના પોશાકમાં ગયા હતા. ઉદ્‌ઘાટન કાર્યક્રમમાં તેમણે માથે પાઘડી ધારણ કરીને પંજાબી ભાષામાં સત શ્રી અકાલ એવા શબ્દો ઉચ્ચાર્યા હતાં. ગુરુદ્વારાના ઉદ્‌ઘાટન પ્રસંગે તેમણે મહામારીમાં લોકોની યાતનાઓ હળવી કરવામાં શીખ સમુદાયના યોગદાન બદલ તેમણે સમગ્ર શીખ સમુદાયની સરાહના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સિંગાપોરમાં ગુરુદ્વારાના સભ્યો નાત, જાત, ધર્મ કે પૃષ્ઠભૂમિના કોઇ પણ જાતના ભેદભાવ વગર જરુરુતમંદોને મદદ કરવા આગળ આવ્યાં હતાં. વડા પ્રધાન લી સીયન લૂંગે જણાવ્યું હતું કે સીલત રોડ પરનું ગુરુદ્વારા એ સિંગાપોરમાં બહુધર્મીય માહોલમાં એક ચમકતો સિતારો છે. સિંગાપોરમાં ભારતીય હાઇ કમિશને વડાપ્રધાન લી સીયન લૂંગની કેટલીક તસવીરો ટ્‌વીટ કરી હતી એ તેમના વરદ હસ્તે ગુરુદ્વારાના ઉદ્‌ઘાટન પર શીખ સમુદાયને અભિનંદન પાઠવ્યાં હતાં. સિંગાપોરના વડાપ્રધાનની આ ચેષ્ટાને કારણે વિશ્વભરના શીખ સમુદાયનું ધ્યાન ખેંચાયું છે અને વિશ્વના સમગ્ર શીખ સમુદાયે વડાપ્રધાનની પ્રશંસા કરી છે કે જેમણે પોતાનું ભાષણ અને તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
ટ્‌વીટર અને ગૂગલ સહિત અનેક મલ્ટીનેશનલ કંપનીઓમાં ટોચના પદ પર કામ કરનારા પરમિન્દરસિંહે બે હાથ જોડેલી ઇમોજી સાથે સિંગાપોરના વડાપ્રધાનનનો આભાર વ્યક્ત કર્યો હતો. દિલ્હીના ભાજપના મંત્રી ઇમપ્રિતસિંહ બક્ષીએ પણ વડાપ્રધાન લી સીયન લૂંગની તસવીર શેર કરી હતી કે જેમાં તેઓ પાઘડી સાથે શીખ પોષાકમાં સજ્જ દેખાય છે. રીનોવેશન પહેલા સીલત રોડના ગુરુદ્વારામાં દરરોજ ૧૫૦૦ લોકો માટે લંગરની (ભોજન) વ્યવસ્થા કરવામાં આવી હતી અને હવે આ ગુરુદ્વારામાં સુરક્ષિત અને સાનુકૂળ માહોલમાં ૨૦૦૦ લોકો માટે લંગરની વ્યવસ્થા કરી શકાશે.